વારંવાર બ્લાસ્ટના લીધે આજુબાજુ વિસ્તારોના મકાનોમાં તિરાડો પડી છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા કોલસાના કારોબારને તંત્રના એક પણ અધિકારી સદંતર બંધ કરવું શક્યા નથી. ત્યારે વર્ષોથી ચાલતા કોલસાના ગેરકાયદેસર ધંધા સામે તંત્ર માત્ર મૂકપ્રેક્ષક બની બેઠુ રહે છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, થાનગઢ અને સાયલામાં ચાલતી કોલસાની ખનિજ ચોરીમાં બે હજારથી વધુ ખાણો હાલ ધમધમી રહી છે અને અન્ય નવી ખાણો ખોદવા માટેની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે જમીનથી 150 ફૂટ ઉંડી ખાણ ખોદવા અને વચ્ચે આવતા પથ્થરના ભાગને હટાવવા માટે પ્રતિબંધિત જીલેટીન વિસ્ફોટક જથ્થાથી જમીનમાં બ્લાસ્ટ કરવામાં આવે છે.
- Advertisement -
આ બ્લાસ્ટ એટલો તીવ્ર હોય છે કે બ્લાસ્ટનો અવાજ પાચ કિલોમીટર દૂર સુધી સંભળાય છે અને બ્લાસ્ટના લીધે ત્રણ કિલોમીટર સુધીની જમીન ધણધણી ઉઠે છે. કોલસા કાઢવા માટે જુદી જુદી ખાણોમાં દર 30 મિનિટે બ્લાસ્ટ થતાં હોય છે જેના લીધે આજુબાજુ રહેણાક વિસ્તારોના ઘરોમાં રીતસરની તિરાડો પડતી નજરે પડે છે. મૂળી અને થાનગઢ પંથકના કેટલાક ગામોમાં આ પ્રકારના બ્લાસ્ટથી પાચ કે સાત વર્ષ પહેલાં નિર્માણ થયેલ મકાનો પણ જર્જરિત માફક નજરે પડે છે. ખાસ કરીને રાત્રીના સમયે થતાં બ્લાસ્ટના લીધે સ્થાનિકો પણ ખુબજ ત્રાસી ચૂક્યા છે. પરંતુ પ્રશાસન પોતાની કામગીરીમાં મસ્ત હોવાના લીધે દર મહિને કરોડોની ચોરી થતાં કોલસાના ખનિજ બાબતે અધિકારીઓને તટસ્થ કામગીરી કરવામાં રસ નહિ હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.