ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય વિભાગના અધિક નિયામક શ્રી ડો.નિલમભાઈ પટેલે બાદલપરા ગામની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન બાદલપરાના ગ્રામજનોમાં જાણે ઉત્સવનો માહોલ હોય એવી ઉર્જા જોવા મળી હતી. પરંપરાગત વસ્ત્રોથી સજ્જ કુમારીકાઓએ ઢોલ અને શરણાઈના મધુર રવ સાથે સંકલ્પ યાત્રાનું અને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. વિકસિત સંકલ્પ યાત્રાના માધ્યમથી બાદલપરામાં ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત 04 લાભાર્થીઓએ પોતાનો સુખદ અનુભવ વ્યક્ત કર્યો હતો. જ્યારે સ્થળ પર જ નવા 31 આયુષ્માન કાર્ડ બનાવી અને વિતરણ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત 5 મહિલા, 6 વિદ્યાર્થી અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 4 ખેલાડીઓ તેમજ 1 સ્થાનિક કલા કારીગરનું સન્માન કરવામાં આવ્યું હતું. બાદલપરા પંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજના અને આયુષ્માન કાર્ડની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ છે. તદુપરાંત ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે. આ કાર્યક્રમમાં બાદલપરાની શાળાના વિદ્યાર્થીઓએ ‘ધરતી કહે પુકાર કે’ નાટકના માધ્યમથી સામાજીક સંદેશ પાઠવ્યો હતો અને મહાનુભાવો સહિત ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈ દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.