ખાસ-ખબર સંવાદદાતા
મોરબી અને માળીયા પંથકમાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસું પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. અનેક ગામના ખેતરમાં હજુ પણ ગોઠણ ડૂબ પાણી ભરાયેલ છે અને ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે ત્યારે સરકાર વહેલી તકે વળતર ચુકવે તે જરૂરી બન્યું છે જેથી મોરબી જીલ્લા કિશાન કોંગ્રેસના આગેવાન કે.ડી. બાવરવાએ નક્કી કર્યા મુજબ ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ શરુ કર્યો છે અને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની અતિવૃષ્ટિથી થયેલ નુકશાનની જાત માહિતી મેળવી હતી.
ખેતીમાં નુકશાની થયેલા ખેડૂત ખાતેદારોની નુકશાનીની માહિતી સાથેના અરજી ફોર્મ ભરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ માટે બાવરવાએ તરઘરી, ચાંચાવદરડા, નાના દહીંસરા, ખીરસરા, મોટા દહીંસરા, સરવડ, મોટા ભેલા, ભાવપર, બગસરા, નાના ભેલા વગેરે ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ખેડૂતો દ્વારા પોતાની વ્યથા ઠાલવવામાં આવી હતી. આ જ રીતે અન્ય ગામોનો પ્રવાસ પણ કરવામાં આવનાર છે અને દરેક ગામોમાં ખેતીમાં નુકશાની થયેલ ખેડૂતોના ભરેલા અરજી ફોર્મ સરકારમાં રજુ કરીને સરકાર ખેડૂતોને વહેલી તકે ન્યાય આપે એ માટે રજૂઆત કરવામાં આવશે.