બેઉ સસ્પેન્ડેડ કોર્પોરેટરના નામ સદસ્યતા અભિયાનમાં સમાવવા પાછળ મોટો ખેલ
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને ફસાવવા પૂજારાની જ ચાલ હોવાની ચાલતી ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેર ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાની ચર્ચા અંદરોઅંદર જ થવા પામી છે, એટલું જ નહીં પરંતુ રાજકોટ સંગઠનના જૂના અને નવા હોદ્દેદારોએ એકબીજાના દાવ લેતાં ભાજપની જ આબરૂ ધૂળધાણી છે જેમાં ખાસ કરીને શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિક્રમ પૂજારાનો ફાળો હોય તેવું સ્પષ્ટ જણાય છે. વધુમાં એવી પણ ચર્ચા છે કે વિક્રમ પૂજારાને શિક્ષણ સમિતિના ચેરમેન વ્હાલા-દવલાની નીતિથી બનાવવામાં આવ્યા છે તેવો ગણગણાટ શરૂ થયો છે. ચર્ચા એવી છે કે વિક્રમ પૂજારા શહેર ભાજપના પૂર્વપ્રમુખ કમલેશ મિરાણીના સંબંધી છે અને મિરાણીનો જ પ્રસાદ છે. આ વિક્રમ પૂજારા કે જેના કારણે વિક્રમ પુજારાને શિક્ષણ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે જેના કારણે ભાજપ સંગઠનમાં પણ એકબીજાના પગ ખેંચવામાં હોદ્દેદારો પાછા પડતાં નથી અને સંબંધી હોય તેને કોઈ ને કોઈ હોદ્દો આપવામાં આવતો હોય અન્યને મનદુ:ખ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેર બાજપ દ્વારા સદસ્યતા અભિયાન-2024 માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરના સંયોજક અને સહસંયોજક તેમજ કલસ્ટર વાઈસ જવાબદારી નક્કી કરવામાં આવી છે, જેમાં સંયોજક તરીકે શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિક્રમ પૂજારા સહિત પાંચની વરણી કરવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં. 4, 5 અને 6ના કલસ્ટર હેડ તરીકે પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રાને જવાબદારી સોંપવામાં આવી હતી. વોર્ડ નં. 4, 5, અને 6ના જવાબદારોની યાદી જાહેર થઈ ત્યારે તેમાં વોર્ડ નં. 5માં કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નં. 6માં કોર્પોરેટર દેવુબેન જાદવના નામ સામેલ હતા. જો કે આ બંને મહિલા કોર્પોરેટરે ગોકુલનગર આવાસમાં કૌભાંડ આચર્યુ હતું અને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતાં છતાં પણ બંનેને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવી. શા માટે આવા કૌભાંડીઓને જવાબદારી સોંપવામાં આવી તે પણ એક ચર્ચાનો વિષય છે. આમ પરોક્ષ રીતે પક્ષમાં સમાવી લેવાનો ખેલ પાડ્યો છે.
જો કે શહેર ભાજપમાં ચાલતા જૂથવાદને કારણે આવું બન્યું અને મુકેશ દોશીને નબળા સાબિત કરવા આ ખેલ પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. શહેર ભાજપ કાર્યાલયમાં કાર્યાલય મંત્રી હરેશ જોષીની દેખરેખ હેઠળ સદસ્યતા અભિયાનની જવાબદારી અંગેની યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં બંને સસ્પેન્ડ મહિલા કોર્પોરેટર વજીબેન અને દેવુબેનના નામ ઉમેરી દેવામાં આવ્યા હતા. આ યાદી જાહેર થતાં જ ક્લસ્ટર હેડ વલ્લભ દુધાત્રાએ શહેર પ્રમુખ મુકેશ દોશી તથા મહામંત્રી અશ્ર્વિન મોલિયાને ફોન કરી ભૂલ સુધારવા ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને નેતાઓએ ફોન રિસીવ કર્યો નહોતો. દુધાત્રાએ પાર્ટીની આબરૂ સાચવવા અભિયાનના સંયોજક અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિક્રમ પૂજારાને ફોન કરી આ અંગે વાતચીત કરી હતી, પરંતુ તેણે યાદી ઉપરથી આવી છે. આમાં આપણે શું કરી શકીએ તેમ કહી પક્ષની આબરૂનું ધોવાણ થાય તે અંગેની જાણ હોવા છતાં યાદીને યથાવત રાખી આગળ જવા દીધી હતી. શહેર ભાજપમાં થઇ રહેલા ગણગણાટ મુજબ વિક્રમ પૂજારા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીના સંબંધી છે અને મીરાણીના આશીર્વાદથી જ તેમને શિક્ષણ સમિતિના ચેરમેન બનાવાયા છે. તો બીજી બાજુ મીરાણી સહિતના પૂર્વ હોદ્દેદારોનું હાલમાં ક્યાંય નામોનિશાન નથી. પાર્ટીના કાર્યક્રમમાં જોડાવાથી અંતર રાખી રહ્યા છે અને નવા હોદ્દેદારોની ભૂલ ક્યાં થાય તેના પર નજર રાખીને બેઠા છે. આવા સંજોગોમાં પ્રમુખ દોશી અને તેમની ટીમને પ્રદેશ કક્ષાથી ઠપકો મળે તેવા આશયથી સસ્પેન્ડ કોર્પોરેટરના નામ લિસ્ટમાં ઉમેરવા અને જાહેર કરવાનો ખેલ ખેલાયાની કાન ફાડી નાખે તેવી વાતો થઇ રહી છે. આ બધું જોતાં એવું લાગી રહ્યું છે કે કમલેશ મિરાણી સહિતના હોદ્દેદારો ઘરે બેઠા પણ કેમ કરીને મુકેશ દોશી વાંકમાં આવે અને તેમને નબળા પાડવામાં આવે તેવા કાવતરા ઘડી રહ્યા હોવાનો ઘાટ સર્જાયો છે.
શા માટે ભ્રષ્ટાચારી મહિલા કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાઈ?
ભાજપ દ્વારા વ્હાલા-દવલાની નીતિ અપનાવવામાં આવતી હોય તેવી ચર્ચાઓ ભાજપના જ હોદ્દેદારોમાં અંદરોઅંદર થઈ રહી છે. કારણ કે ભાજપ દ્વારા 2 સપ્ટેમ્બરથી શરૂ થયેલા સદસ્યતા અભિયાનને સફળ બનાવવા માટે શહેર ભાજપ ભ્રષ્ટ ફર્સ્ટનું નવું સૂત્ર અપનાવી સસ્પેન્ડ કરાયેલા બે મહિલા કોર્પોરેટરને જવાબદારી સોંપી હતી, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે બંને મહિલા કોર્પોરેટર સસ્પેન્ડ જ હતી તો જવાબદારી શા માટે સોંપવામાં આવી હતી? વધુમાં ભાજપ દ્વારા 2 સપ્ટેમ્બરથી શરૂ થયેલા સદસ્યતા અભિયાનને સફળ બનાવવા માટે શહેર ભાજપે ભ્રષ્ટ ફર્સ્ટનું નવું સૂત્ર અપનાવી સસ્પેન્ડ કરાયેલા બે મહિલા કોર્પોરેટરને જવાબદારી સોંપી હતી. સદસ્યતા અભિયાનની વોર્ડ વાઇઝ જવાબદારી નક્કી કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. 5માં કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નં. 6માં કોર્પોરેટર દેવુબેન જાદવને જવાબદારી સોંપવામાં આવી હતી અને આ અંગેની વિધિવત રીતે શહેર ભાજપ કાર્યાલયમાંથી યાદી જાહેર કરાઇ હતી. ગોકુલનગર આવાસ યોજના કૌભાંડમાં આ બંને મહિલા નગરસેવિકા અને તેમના પતિની સંડોવણી હતી. ભાજપે આ બંને મહિલા કોર્પોરેટરને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. દરમિયાન સદસ્યતા અભિયાનમાં બંને મહિલા કોર્પોરેટરને જવાબદારી સોંપી પાછલા બારણે ભાજપ પ્રવેશ કરાવ્યો હતો. સોમવારે આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, શહેર કાર્યાલયમાંથી જે યાદી બની હતી તેમાં જૂના ડેટા મુજબ બંને મહિલાના નામ સહિતની યાદી જાહેર થઇ ગઇ હતી અને આવી લાપરવાહી બદલ પોતે માફી માગી હતી અને બંને મહિલા કોર્પોરેટર સસ્પેન્ડ જ હોવાની અને બંનેને કોઇપણ પ્રકારની કામગીરી નહીં સોંપવાની જાહેરાત કરી હતી.