પુજારાએ જરૂર ન હોય એવી શાળાઓ પણ પાડીને નવી બનાવી, જર્જરિત શાળાઓનું રિનોવેશન કરવા પર ધ્યાન ન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વિક્રમ પુજારાએ શૈક્ષણિક હિતમાં કામકાજ કરવાનું હોય છે. પરંતુ પુજારાને શિક્ષણના કામમાં ઓછો અને બિનશૈક્ષણિક ’વહીવટ’ના કામમાં વધુ રસ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. તેમણે થોડા સમય પહેલા લાખોના ખર્ચે પોતાની ઓફિસ બનાવડાવી હતી. ત્યારબાદ ભેદી કારણોસર તેમની માત્ર બાંધકામના કામકાજમાં જ રસરૂચિ કેળવાઈ ગઈ હતી. કારણ કે, વિક્રમ પુજારા જરૂર નહોય એવી શાળાઓ પાડીને આખેઆખી નવી બનાવી રહ્યા છે, બીજી તરફ પડુંપડું થતી જર્જરરિત શાળાઓ પર ધ્યાન આપી રહ્યા નથી.
વિસ્તારથી વાત કરવામાં આવે તો, કોટેચા ચોક ફાયર સ્ટેશન પાસે આવેલી શાળા નં.64 અને ખોખડદળ નદી પાસે ભાડાના જર્જરિત બિલ્ડીંગમાં ચાલતી શાળા નં. 99માં કોઈ દુર્ઘટના સર્જાય તે પૂર્વે પાડીને નવી બનાવવાની જરૂર છે. આમ છતાં વિક્રમ પુજારાએ જે શાળામાં રિનોવેશનની જરૂર ન હોય અને ઓછી સંખ્યા ધરાવતી હોય તેવી શાળાઓમાં કરોડોનો ધુમાડો કરી કોન્ટ્રાક્ટને ખટાવ્યા હોવાનું કહેવાઈ છે. અત્રે ખાસ નોંધનીય છે કે, એક શાળા આશરે પાંચથી છ કરોડના ખર્ચે બનતી હોય છે ત્યારે ક્યાં કારણોસર શિક્ષણના જરૂરી કામ બાજુ પર મૂકીને વિક્રમ પુજારા માત્રને માત્ર નવી શાળાના બાંધકામમાં જ રસ દાખવી રહ્યા છે? એવો સવાલ અત્રે ઉપસ્થિત થાય છે.
આ સિવાય પોતાની પર્સનલ ઓફિસથી નજીકમાં આવેલી શાળા નં.19ના કેમ્પસમાં ચાલતા ગોરખધંધાની ચર્ચાથી ભાગતા ફરતા વિક્રમ પુજારા હાલ શિક્ષણ સમિતિના મહિલા કેળવણી નિરીક્ષકની પજવણી કરનાર દિનેશ સદાદિયા જેવા તોફાની શિક્ષકોને છાવરી રહ્યા છે અને શિક્ષણ સિવાયના તમામ કામમાં વ્યક્તિગત સ્વાર્થ શોધી ફરજ નિભાવી રહ્યા છે ત્યારે પંડિતની જેમ પુજારાને પણ ચેરમેન પદથી દૂર કરવામાં આવશે તો શિક્ષણ સમિતિના વિદ્યાર્થી અને કર્મચારીઓનું હિત જળવાઈ જશે એવો ગણગણાટ શરૂ થયો છે.
- Advertisement -
શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વિદ્યાર્થી અને કર્મચારી હિતનું કામ કરવું નથી, સદાદિયા જેવા તોફાની શિક્ષકોને છાવરવા અને બિનજરૂરી બાંધકામ કરવા છે!
ક્લાર્ક વિજય જોશીએ શિક્ષણ સમિતિના કિંમતી કાગળ અને માહિતી જાહેર કર્યા!
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એક સમયમાં હંગામી પટ્ટાવાળા અને તંત્રની રહેમરાહે ક્લાર્ક બની બેઠેલા વિજય જોશીએ કચેરીના કિંમતી કાગળ અને માહિતી દિનેશ સદાદિયાને આપ્યા હોવાથી ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે. એટલું જ નહીં વિજય જોશીના ખાનગી કાગળો જાહેર કરવા સહિતના કારનામાની ફરિયાદ છેક મનપા કમિશનર સુધી પહોંચી છે અને વિજય જોશી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા શાસનાધિકારીને સૂચના પણ આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિનેશ સદાદિયાના કલેક્શન એજન્ટ બની ફરતા વિજય જે. જોશી શિક્ષણ સમિતિની ખાનગી માહિતી કચેરી બહાર પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત હાલમાં જ તેઓએ શિક્ષણ સમિતિના ચેરમેન પુજારાની મદદથી લાયકાત ન હોવા છતાં પણ ઈન્ક્રીમેન્ટ લીધાની ફરિયાદ ગાંધીનગર અને મનપા કમિશનર સુધી થયેલી હતી, જે આખુંય પ્રકરણ દબાવી દેવામાં આવેલું હતું. હવે આ મામલે આગામી સમયમાં શું કાર્યવાહી થશે એ જોવું રહ્યું.