ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા સમાજલક્ષી કાર્યક્રમનું આયોજન
સોમવારે શરદપૂનમે હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયે ક્ષત્રિય ભાઈઓ માટેનો રાસોત્સવ
- Advertisement -
સૌરાષ્ટ્ર-કચ્છના 460થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં ક્ષત્રિય (ગિરાસદાર) સમાજની છેલ્લા 50 વર્ષથી કાર્યરત સંસ્થા શ્રી ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલના ઉપક્રમે બે દિવસમાં બે સામાજિક સમારોહ યોજાશે. કાલે રવિવારના રોજ હેમુ ગઢવી હોલ ખાતે ક્ષત્રિય સમાજના 460થી વધુ તેજસ્વી દીકરા-દીકરીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાશે. બીજા દિવસે સોમવારે શરદપૂનમની રઢિયાળી ઢળતી સાંજે ક્ષત્રિય ભાઈઓ માટેનો રાસોત્સવ હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય, 5-રજપૂતપરા ખાતેના પટાંગણમાં યોજાશે. બંને કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો, ભાઈઓ અને યુવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તા. 5-10-2025 ને રવિવારના રોજ યોજાનારા 51માં વાર્ષિક વિદ્યા સત્કાર સમારોહમાં અધ્યક્ષસ્થાને મહારાષ્ટ્ર રાજ્યના મંત્રી સીંડખેડા વિધાનસભાના ધારાસભ્ય, ડોન્ડાઈચા રાજવી પરિવારના જયકુમાર જીતેન્દ્રસિંહજી રાવલ, પ્રમુખસ્થાને રાજકોટ ઠાકોર માંધાતાસિંહજી જાડેજા તથા મુખ્ય અતિથિ તરીકે કૌવરાણી ઓફ ખીમસર મૃગેશાકુમારીસિંગ (કુંવરીસાહેબા ઓફ ખીમસર) રહેશે.
અન્ય મહાનુભાવોમાં વિશેષ ઉપસ્થિતિ કાદંબરીદેવી જાડેજા, ધારાસભ્યો પ્રદ્યુમનસિંહજી જાડેજા (અબડાસા કચ્છ), ધર્મેન્દ્રસિંહજી રણુભા વાઘેલા (વાઘોડીયા વડોદરા), ગીતાબા જયરાજસિંહ જાડેજા (ગોંડલ), રીવાબા રવિન્દ્રસિંહજી જાડેજા (જામનગર ઉત્તર) તેમજ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહજી એમ. જાડેજા (હકુભા જામનગર)ની રહેશે. પ્રાયમરીથી લઈને હાયર એજ્યુકેશનમાં ઉચ્ચત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરનારા સૌરાષ્ટ્ર-કચ્છના ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓને મહેમાનોના હસ્તે રોકડ પુરસ્કાર તેમજ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમ બપોરે 2-30 કલાકે આરંભ થશે. ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ દ્વારા ગત વર્ષે સંસ્થાના સુવર્ણજયંતી વર્ષની ઉજવણી અંતર્ગત ક્ષત્રિય (ગિરાસદાર) ભાઈઓ માટેના સૌ પ્રથમ વખત રાસોત્સવનું આયોજન કરાયું હતું, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ વખતે પણ તા. 6-10-2025 ને સોમવારે શરદપૂર્ણિમાના દિવસે ભાઈઓ માટેનો રાસોત્સવ હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના પટાંગણમાં સાંજે 7-00 કલાકે સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જગતજનની મા જગદંબાની આરતી સાથે રાસ-ગરબાનો આરંભ થશે. ક્ષત્રિય સમાજના વડીલો, ભાઈઓ, યુવાનોને મા જગદંબાની સામૂહિક આરાધના કરવાના અવસરરૂપ રાસોત્સવમાં પધારવા સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અશોકસિંહ વાઘેલા (લોલીયા), સત્યજીતસિંહ જાડેજા (કાળીપાટ), તિર્થરાજસિંહ ગોહિલ (ત્રાપજ), ચંદ્રસિંહ જાડેજા (ખોખરા), દિલજીતસિંહ જાડેજા (ભાતેલ), રાજદીપસિંહ રાણા (વણા) સહિતના સમાજના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.