એક વિડીયોમાં સવાની તો બીજા વિડીયોમાં ત્રણની માંગણી
એક પછી એક બે વાયરલ વિડીયોમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે આડકતરી રીતે લાખોની માંગ કર્યાનો વિડીયોમાં ઘસ્ફોટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સોશિયલ મીડિયા પર હાલ રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાના બે વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોમાં તેઓ ગેરકાયદે બાંધકામ મામલે પતાવટ કરવા માટે આડકતરી રીતે લાખો રૂપિયાની માંગણી કરતા હોવાનું સંભળાય રહ્યું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
વાયરલ થયેલા પ્રથમ વિડીયોમાં અનિલ મકવાણા એક વ્યક્તિ સાથે વાતચીત કરતા જોવા મળે છે. વાતચીત દરમિયાન સામેવાળી વ્યક્તિ ગેરકાયદે બાંધકામમાં રાહત આપવા અથવા કોઈ કાર્યવાહી ન કરવા વિનંતી કરી રહી છે. સામે પક્ષે અનિલ મકવાણાને 60 હજાર ઓફર કરાઈ છે પણ અનિલ મકવાણા સવા જેવી રકમની ચર્ચા કરતા સાંભળવા મળે છે. આ વિડીયો મુજબ પૂર્વ કોર્પોરેટર દ્વારા કામ પૂરું કરવાના બદલામાં મોટી રકમ માંગવામાં આવી રહી હોવાનું અનુમાન છે. તેઓ વાતચીતમાં પોતાના ટ્રસ્ટ અને આગામી કાર્યક્રમોનો ઉલ્લેખ કરી રહ્યા છે, જેનો ઉપયોગ પૈસા લેવા માટેના બહાના તરીકે થતો હોવાનું જણાય છે. વિડીયોમાં તેઓ સામેવાળી વ્યક્તિને ‘સમય ન બગાડવા’ અને સીધી વાત કરવા માટે કહેતા નજરે પડે છે.
વાયરલ થયેલા બીજા વિડીયોમાં જોવા મળે છે કે અનિલ મકવાણાએ કોઈ બાંધકામ સામે તંત્રમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના નિરાકરણ માટે બાંધકામ સાથે જોડાયેલી વ્યક્તિઓ તેમને મળવા આવે છે. પૂર્વ કોર્પોરેટર કહે છે કે, જો તેઓ સાદા કાગળ પર લખી આપે કે તેમને “સંતોષકારક જવાબ મળી ગયો છે” તો આખું પ્રકરણ બંધ થઈ જશે. વાતચીતના અંતે જ્યારે સામે પક્ષ રકમ પૂછે છે, ત્યારે અનિલ મકવાણા સ્પષ્ટપણે ત્રણની માંગણી કરે છે. તેઓ ચેપ્ટર ક્લોઝ કરવાની વાત કરીને સામેવાળી વ્યક્તિને મનીષભાઈ (અન્ય કોઈ વ્યક્તિ) સાથે વાત કરી લેવા જણાવે છે.
વિડીયોમાં અનિલ મકવાણા એવું પણ કહેતા સંભળાય છે કે મારે બે મહિના પછી ચૂંટણી લડવાની છે. તેઓ વોર્ડ નંબર 4માંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોવાનો પણ સંકેત આપે છે. તેઓ વિડીયોમાં એવો દાવો કરે છે કે સોમવારે અધિકારીઓ સાથે આ બાબતે ‘હિયરિંગ’ (સુનાવણી) છે. જો રકમની પતાવટ થઈ જાય, તો તેઓ હિયરિંગમાં ગેરહાજર રહીને અથવા સંતોષકારક જવાબ મળ્યો છે તેમ કહીને કેસ પૂરો કરી દેશે. વિડીયોમાં અનિલ મકવાણા સામે પક્ષને કહે છે કે, ‘તમે બહુ વાર લગાડતા નહીં, કારણ કે અધિકારીએ મને જવાબ લેવા માટે બોલાવ્યો છે.’
ઉલ્લેખનીય છે કે, આ બંને વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના નેતા દ્વારા આ પ્રકારે ખુલ્લેઆમ ’તોડબાજી’ની ચર્ચા થતા પક્ષની છબી પણ ખરડાઈ છે. વિપક્ષ અને સ્થાનિક લોકો હવે આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસની માંગ કરી રહ્યા છે. જો સત્તાધારી પક્ષના પૂર્વ પ્રતિનિધિઓ જ આ રીતે ગેરકાયદે કામો માટે પૈસા લેતા હોય, તો સામાન્ય જનતાએ કોની પાસે ન્યાયની અપેક્ષા રાખવી? એવો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો છે. હાલ આ વિડીયોની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આટલી ગંભીર ચર્ચા બાદ પોલીસ અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે તપાસ હાથ ધરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
પૂર્વ કોર્પોરેટરના વાયરલ વિડીયો મામલે ભાજપ એક્શન મોડમાં
- Advertisement -
રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાના કથિત તોડબાજીના વાયરલ વિડીયોએ શહેરમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. આ ગંભીર મામલે આખરે શહેર ભાજપ સંગઠને મૌન તોડ્યું છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ અંગે સત્તાવાર નિવેદન આપી કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે. વાયરલ વિડીયો મુદ્દે પ્રતિક્રિયા આપતા માધવ દવેએ જણાવ્યું હતું કે, આ વાયરલ વિડીયો મોડી રાત્રે મારી સમક્ષ આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે પૈસાની લેતી-દેતી અંગેની ચર્ચાઓ થતી સાંભળવા મળી રહી છે, જે અત્યંત ગંભીર બાબત છે. વિડીયો સામે આવ્યા બાદ મેં તાત્કાલિક પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો ફોન મારફતે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હાલ તેમનો ફોન બંધ આવી રહ્યો છે. અનિલ મકવાણાનો સંપર્ક થતા જ તેમની પાસે આ વિડીયો અને તેમાં થઈ રહેલી ચર્ચાઓ અંગે સત્તાવાર ખુલાસો માંગવામાં આવશે. આ આક્ષેપોમાં જો સત્યતા જણાશે અને પક્ષની શિસ્તનો ભંગ થયો હોવાનું સાબિત થશે, તો ચોક્કસપણે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
પૂર્વ કોર્પોરેટરનો તોડબાજીનો કથિત વાયરલ વિડીયો જોવા અહીં ક્લિક કરો
પૂર્વ કોર્પોરેટર દ્વારા સર્કિટ હાઉસનો દુરુપયોગ?
રાજકોટ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા સર્કિટ હાઉસનો દુરુપયોગ કરવામાં આવતો હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે. ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ અરજી કરનારા અને કરાવવાનારાઓનો અડ્ડો જાણે સર્કિટ હાઉસ બન્યું હોય એવો માહોલ અહીં જોવા મળે છે. આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, આ મામલે સર્કિટ હાઉસના સંચાલકો અને તંત્ર દ્વારા પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી અને ગમે તેને ગમે ત્યારે મન ફાવે તેમ સર્કિટ હાઉસનો દુરુપયોગ કરવા દેવામાં આવે છે.



