સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું આજે સવારે નિધન થયું છે. તેમના નિધનને પગલે ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
રાજકોટથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આજે વહેલી સવારે રીબડાના મહિપતસિંહ જાડેજાનું નિધન થયું છે. તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ છે. મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા.
- Advertisement -
ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છવાઈ
મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડાના વતની હતા. મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલથી ચૂંટાઈને આવ્યા હતા. ધારાસભ્ય કાળ દરમિયાન મહિપતસિંહ જાડેજાએ સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેઓએ ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી છે જેના તેઓ પ્રમુખ પણ બન્યા હતા. માજી ધારાસભ્યની સાથે મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
83મા જન્મ દિવસે ગાવામાં આવ્યા હતા જીવતા મરસિયા
આપને જણાવી દઈએ કે, સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિના મૃત્યુ પછી દાન કે સેવાકીય કાર્યો કરવામાં આવે છે, પરંતુ રાજકોટ નજીક આવેલા ગોંડલના પૂર્વ ધારાસભ્યએ જીવતાં જ જગતિયું કરવાનું નક્કી કર્યું હતું. ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને અનિરુદ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજાએ પોતાના 83મા જન્મ દિવસે પોતાના જીવતા મરસિયા સાંભળવાનું મન બનાવ્યું હતું. આ માટે ગોંડલના રીબડા ખાતે 24મે 2019ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના મહિપતસિંહ માટે લોકસાહિત્યના 12 જેટલા કવિઓએ આ મરસિયા ગાયા હતા. તેની સાથે-સાથે મહિપતસિંહે રીબડાની 111 દિકરીઓને કન્યાદાન પણ આપ્યું હતું.
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે આપણે રીબડાનું નામ ઘણું સાંભળ્યું છે. આ દરમિયાન ગોંડલના બે બાહુબલી એવા અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વચ્ચેની રાજકીય લડાઈ દિવસેને દિવસે વધુ ગંભીરરૂપ ધારણ કરી રહી હતી. જોકે, હવે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને ગોંડલ સીટ પરથી જયરાજસિંહ જાડેજાનાં પત્ની ગીતાબાનો 43,313 મતથી વિજય પણ થઈ ગયો છે.
- Advertisement -