કોર્ટ પરિસરમાં વકીલોએ ફાંસી આપો, ફાંસી આપોના નારા લગાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની કોર્ટે અતીક અહેમદ સહિત 3ને દોષિત ઠેરવ્યા છે. જ્યારે 10માંથી 7 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. અતીકનો ભાઈ અશરફ પણ તેમાં સામેલ છે. અતીક ઉપરાંત ખાન સૌલત અને દિનેશ પાસીને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. અતીકને થોડીવારમાં સજા સંભળાવવામાં આવી શકે છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદને પ્રયાગરાજની કોર્ટે દોષિત જાહેર કર્યો છે. 17 વર્ષ બાદ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. ઈંઙઈ કલમ 364-અ હેઠળ અતીક સહીત 3 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમાં સામાન્ય કેદથી લઈને આજીવન કેદ અને ફાંસીની સજા પણ થઈ શકે છે. થોડીવારમાં સજા સંભળાવવામાં આવી શકે છે. આ તરફ કોર્ટ પરિસરમાં વકીલોએ અતીકને ફાંસી આપો, ફાંસી આપોના નારા લગાવ્યા છે. અતીક અહેમદને ગઈકાલે સાંજે પ્રયાગરાજની નૈની જેલમાં લાવ્યા બાદ આજે સવારે એમ.પી. એમ.એલ.એ કોર્ટમાં હાજર કરવા માટે પોલીસ અતીક-અશરફને લઈને કોર્ટમાં પહોંચી હતી. જેલમાંથી પ્રથમ વાન ખાલી રવાના થઈ હતી. બીજી વાનમાં ફરહાન, પછી ત્રીજી વાનમાં અશરફ અને છેલ્લી વાનમાં અતીકને લઈને નૈની સેન્ટ્રલ જેલમાંથી 50 સુરક્ષાકર્મીઓ સાથે પોલીસ કોર્ટ જવા રવાના થઈ હતી. યુપી પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.
- Advertisement -
અતીક અહેમદને સુપ્રીમ કોર્ટથી ઝટકો
પ્રયાગરાજ કોર્ટના ચુકાદા પહેલા અતીક અહેમદને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. અતીકના વકીલે સુપ્રીમમાં અરજી દાખલ કરીને અતીકના જીવને જોખમ હોવાનું જણાવાયું હતું અને સુરક્ષાની માંગ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અતીકને જેલમાં લાવવામાં આવ્યો છે. તે આ કોર્ટનો મામલો નથી. તમે હાઈકોર્ટમાં જાઓ.