ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાનો તા. 19 ના રોજ રેડ એલર્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી જેની અસર તળે ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ ખાબક્યો હતો જેમાં માળીયા મિંયાણાના વેજલપર ગામે ભાદરવો ભરપૂર વરસ્યો હોય તેવો તાલ સર્જાયો હતો જેથી વહેલી સવારથી શરૂ થયેલ મુશળધાર વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી દેતા ઠેરઠેર પાણી ફરી વળ્યા હતા. મોરબી જિલ્લામાં સિઝનનો સૌથી વધુ ભારે વરસાદ ભાદરવામાં ખાબકતા પાણી પાણી થઈ ગયા હતા જેના કારણે નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ વેજલપરના જુના ગામમાં જવાના રસ્તા પર ત્રણ ફુટ જેટલા પાણી ફરી વળતા નાના વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જે પાણી પ્લોટ વિસ્તારમાં ફરી વળતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દેર આયે દુરસ્ત આયે મેઘરાજાએ એક જ રાતમાં વેજલપર ખાખરેચી ગામના તળાવો ઓવરફલો કરી દીધા હતા તો બીજી તરફ કેનાલમાં પાણીની બુમરાણ વચ્ચે ખરા સમયે ઓક્સિજનમાં રહેલા ઉભા મોલ પર જાણે કાચું સોનું વરસતા ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો હતો.