દિલ્હી ગુજરાત ભવનના મહેમાનોની સરભરા માટે 2 વાહનો લેવાશે
પોલીસના ભંગારવાડે જનારા વાહન સામે નવી ખરીદી માટે 24 કરોડ ખર્ચાશે
- Advertisement -
ગુજરાતમાં સમયાંતરે વિવિધ મહાનુભાવોની અવર-જવર રહેતી હોય છે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના મુખ્યમંત્રી અને વીવીઆઈપીની સુરક્ષા માટે નવા અત્યાધુનિક વાહનો ખરીદવામાં આવશે, જેની પાછળ 6.58 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. ગુજરાતમાં સમયાંતરે વિવિધ મહાનુભાવોની અવર-જવર રહેતી હોય છે, આ સ્થિતિમાં સુરક્ષા સહિતની બાબતોને ધ્યાને લઈ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ ખર્ચ કરવામાં આવશે, આ ઉપરાંત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એસીબી, નવા પોલીસ સ્ટેશનો વગેરે માટે પણ નવા વાહનોની ખરીદી માટેનો નિર્ણય લેવાયો છે, જેની પાછળ આગામી સમયમાં કરોડોનો ખર્ચ કરવામાં આવશે.
રાજ્યના મુખ્યમંત્રી અને વીવીઆઈપીની સુરક્ષા માટે વાહનો ખરીદવાની દરખાસ્ત મુકાઈ છે, જેને લઈ નાણાંકીય વર્ષ 2024-25ના અરસામાં 6.58 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત નવી દિલ્હી સ્થિત ગુજરાત ભવન ખાતે પણ અનેક મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓ મુલાકાત લેતાં હોય છે, તેમની આગતા સ્વાગતા માટે પણ વર્ષ 2024-25માં બે નવાં વાહનો ખરીદવામાં આવશે, જેની પાછળ 53 લાખ જેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતમાં નવા જે પોલીસ સ્ટેશનો ઊભા થયા છે, તેના માટે પણ વાહનોની ખરીદી કરવામાં આવનાર છે, જે પેટે 8.83 કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્યના પોલીસ વિભાગમાં કેન્દ્ર સરકારની વાહન સ્ક્રેપિંગની નીતિને અનુસરીને સ્ક્રેપ થયેલા વાહનોની સામે નવા વાહનો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે માટે નાણાંકીય વર્ષ 2024-25માં 24.82 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એ જ રીતે પોલીસ તાલીમ સંસ્થાઓ માટે વાહનો ખરીદવા માટે 2.77 કરોડની બાબત રજૂ કરવામાં આવી છે જ્યારે પોલીસ ખાતાની કચેરીઓમાં રદ્ બાતલ વાહનો સામે નવા વાહનની ખરીદી માટે 26.85 કરોડ વાપરવામાં આવશે. એસીબીની કચેરીના નવા વાહનો માટે 1.41 કરોડ જ્યારે સ્પેશિયલ એક્શન ફોર્સના નવા વાહનો માટે 6.24 કરોડનો ખર્ચ કરવામાં આવશે.