જ્ઞાનપ્રકાશ સ્વામીની જલારામ બાપા પર વિવાદિત
ટિપ્પણી મામલે રઘુવંશી સમાજ સહિત આખું વીરપુર લાલઘુમ
જ્ઞાનપ્રકાશને 24 કલાકનું અલ્ટિમેટમ, વીરપુર ગ્રામ પંચાયત ખાતે મળેલી બેઠકમાં નિર્ણય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. ઘટનાને પગલે આજે વીરપુર (જલારામ) ખાતે સમાજના આગેવાનો, વેપારીઓ, વેપારી મંડળના પ્રમુખ અને રઘુવંશી સમાજના આગેવાનોની આજે મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામી રૂબરૂ મંદિરે આવી માફી માગે તેવી રોષ સાથે માગ કરવામાં આવી છે. વીરપુર ગ્રામ પંચાયતમાં બોલાવાયેલી બેઠકમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે અને આવતીકાલે વીરપુર (જલારામ) સજ્જડ બંધ રાખવામાં આવશે. આવશ્ર્યક વસ્તુઓ જેવી મેડિકલ અને હોસ્પિટલો ચાલુ રાખવામાં આવશે. સાથે સાથે જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. કાલે સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી માગે, જો માફી નહીં માંગે તો આગામી રણનીતિ 6 માર્ચના જાહેર કરવામાં આવશે.
સ્વામિનારાયણ ભક્તોના ગ્રુપમાં એક ઙઉઋ શેર કરવામાં આવી છે. જેમાં સંતશ્રી જલરામના જીવનચરિત્ર પરચાનો અમર ઇતિહાસ નામના પુસ્તકના કેટલાક અંશો શેર કરવામાં આવ્યા છે. ઙઉઋમાં અખબારનાં કટિંગ પણ શેર કરવામાં આવ્યાં છે. પુસ્તકમાં ગુણાતીતાનંદ સ્વામી દ્વારા વીરપુર ખાતે વિસામો લીધો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંત શ્રી જલારામ દ્વારા ગુણાતીતાનંદ સ્વામી સહિતના સંત મંડળને જમાડ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. ગુણાતીતાનંદ સ્વામી દ્વારા તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિનપ્રતિદિન વધતી જશે તેવા આશીર્વાદ આપ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ, ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સદાવ્રત ચલાવવા બાબતોના આશીર્વાદ આપ્યા હોવાના કોઈ પુરાવા ઙઉઋમાં શેર કરવામાં નથી આવ્યા.
- Advertisement -
વિવાદ વધતાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી છે અને વિવાદસ્પદ વીડિયો ડિલીટ કરી દીધો છે. બીજી તરફ વીરપુર જલારામમાં રહેતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને સ્વામીએ જે સાહિત્યના આધારે નિવેદન કર્યું છે એ સાહિત્ય લઈને વીરપુર આવવા આમંત્રણ આપ્યું છે, સાથે આ મામલે આગામી રણનીતિ નક્કી કરવા માટે એક બેઠક પણ બોલાવવામાં આવી છે. વીરપુર ગામના સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે, જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનથી સમગ્ર ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. જેથી જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ રણનીતિ ઘડવામાં આવશે. સોશિયલ મીડિયા પર માફી માંગી તે સારી વાત છે પણ ગ્રામજનો જ નક્કી કરશે કે આગળ શું કરવું. ભક્ત સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલે છે. 205 વર્ષ પહેલાં મહા સુદ બીજના જલારામ બાપાએ ભોજલરામ બાપાના આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ થયું હતું.
205 વર્ષથી ચાલે છે સદાવ્રત
વિરપુર ગામમાં 205 વર્ષ પહેલાં જલારામ બાપાએ વીસ વર્ષની ઉંમરે સદાવ્રત-અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. અમરેલીના ફતેપુર ગામના પૂજ્ય ભોજલરામ બાપાના આદેશ અને પ્રેરણાથી વિક્રમ સંવત 1876ની મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં જલારામ બાપાના આંગણે ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે. વિરપુરના જલારામ બાપાનું મંદિર આખા જગતમાં તથા દેશ-વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. સાધુવેશે જલારામ બાપાની કસોટી કરનાર ભગવાને પ્રસાદી રૂપે આપેલા ઝોળી અને ધોકો છે. કહેવાય છે કે આ ઝોળીમાં જલારામ બાપાએ રોટલાને સીવીને રાખ્યો છે. જેથી ક્યારેય સદાવ્રતમાં તથા ગામ વીરપુરમાં અન્નની ખોટ ઊભી ન થાય અને ઝોળી અને ધોકો હાલ વીરપુરના જલારામ બાપાના મંદિરમાં હજુ પણ હયાત છે.
‘ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા’ જ્ઞાનપ્રકાશ સ્વામીનો બફાટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ હાલ વિવાદમાં સપડાયા છે. સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. વિવાદ વધતાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી છે અને વિવાદસ્પદ વીડિયો ડિલિટ કરી દીધો છે. તો બીજી તરફ વીરપુર જલારામમાં રહેતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને સ્વામીએ જે સાહિત્યના આધારે નિવેદન કર્યું છે એ સાહિત્ય લઈને વીરપુર આવવા આમંત્રણ આપ્યું છે, સાથે આ મામલે આગામી રણનીતિ નક્કી કરવા માટે વીરપુરમાં મંગળવારે એક બેઠક પણ બોલાવવામાં આવી છે.
વડતાલ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામીએ સત્સંગમાં કહ્યું હતું કે જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે. ‘ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતાં,’ એમ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું. તેમણે વધુમાં ઉમેર્યું, ‘જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માગ્યા હતા કે સ્વામી, મારું એકમાત્ર લક્ષ્ય કે ઇચ્છા છે કે અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે, એને પ્રસાદ મળે.’
તેમણે કહ્યું, ‘જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા… ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે.’ નોંધનીય છે કે આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોનું મન દુ:ખી થઈ ગયું છે. જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદનથી રોષ જોવા મળ્યો છે. રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સત્સંગનો વીડિયો વાઇરલ થતાં ઠેર ઠેર વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે.
વિવાદ વધતાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી વિડીયો ડિલિટ કર્યો
વિવાદ વધતાં સુરત ખાતે જ્ઞાનપ્રકાશ સ્વામીએ એક વીડિયો જાહેર કરીને માફી માગી છે. વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે સંત શિરોમણિ જલારામ બાપાનાં ચરણોમાં શત-શત વંદન, સાથે મારી વાત રજૂ કરું છું. થોડાક સમય પહેલાં એક બુકમાં એક પ્રસંગ મેં વાંચ્યો હતો. એ જ પ્રસંગ એક મેગેઝિનમાં પણ વાંચ્યો હતો. મને લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું, ‘અયોધ્યામાં જલારામ બાપાએ જે કાર્યો કર્યાં અને ભગવાનના થાળ અંગે જે વાતો છે એ અંગે મેં વાત કરી હતી. તેમ છતાં જો કોઈપણ સમાજને કે વ્યક્તિને મારી વાત દુ:ખદ લાગી હોય, તો હું સાચા દિલથી માફી માગું છું.’ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આ વીડિયો અમે તરત જ હટાવી લીધો છે.’
‘જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા… ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે’: જ્ઞાનપ્રકાશ સ્વામી