થોડા દિવસ પહેલાંની વાત છે. એક મિત્ર સાથે તેમના નવા ઘરના સંદર્ભમાં વાત થઈ રહી હતી.
એ મિત્ર ખુદ પ્રોફેશનલ આર્કિટેક્ટ એટલે અમારી ચર્ચા લાંબી ચાલી. તેમાં એ મિત્રએ એવો આત્મવિશ્ર્વાસ વ્યક્ત કર્યો કે મારા નવા ઘરમાં સારૂં વેન્ટિલેશન અને પૂરતો સૂર્ય-પ્રકાશ આવતો હોવાથી વાસ્તુ પરફેક્ટ છે.
સ્પેસ, લેન્ડ & સેલ્ફ
– રાજેશ ભટ્ટ
– રાજેશ ભટ્ટ
વાસ્તુ બાબતે આ મિત્ર જેવી માન્યતા અનેક લોકો ધરાવે છે. ફકત હવા-ઉજાસ અને સૂર્ય પ્રકાશ પૂરતા પ્રમાણમાં હોવાને પરફેક્ટ વાસ્તુ માની લેનારાઓને મારે એટલું જ કહેવાનું છે કે આપણી આસપાસ રહેલી ઊર્જામાંથી માત્ર સૂર્યની એનર્જી આપણે જોઈ-અનુભવી શકીએ છીએ, પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે અન્ય ઊર્જાઓનું અસ્તિત્વ નથી. વાસ્તુ એટલે ફકત હવા અને પ્રકાશ નહિં પરંતુ વાસ્તુ પ્રમાણે નિર્માણ કરતી વખતે પંચતત્ત્વ (અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ) જમીનનું ઈલેકટ્રો મેગ્નેટીક ફિલ્ડ સહિત જગ્યાની આસપાસ રહેલ અનેક સૂક્ષ્મ બાબતોને ધ્યાનમાં લેવાની હોય છે.
- Advertisement -
સ્પેસ, લેન્ડ અને સેલ્ફની આ લેખમાળામાં ન દેખાતી ઊર્જા અને તેના લક્ષણો વિશે આપણે આગળ પણ ચર્ચા કરી હતી.
વિજ્ઞાન પણ કહે છે કે પૃથ્વીનું ઈલેકટ્રીક ફિલ્ડ, વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર તથા ઈન્ફ્રારેડ કિરણો જેવી અનેક ઊર્જાઓનો માનવીના જીવન પર ખૂબ પ્રભાવ છે જે નરી આંખે જોઈ શકાતી નથી. આપણે આંખ બંધ કરી લઈએ, પછી કાળા ડિબાંગ અંધકાર સિવાય કશું હોતુ નથી પરંતુ તેનો અર્થ એવો નથી કે (આંખ બંધ કર્યા પછી) આપણી આસપાસ કશું જ અસ્તિત્વ નથી!
આવી જ એક અન્ય વાત પર મારે એક ક્લાયન્ટ સાથે ચર્ચા થઈ હતી કે જે દુકાન તેમની પહેલાંના માલિકને ફળી નહતી એટલે કે તેઓ તે જગ્યામાં સારો વ્યવસાય કરી શક્યા ન હતા પરંતુ અહીં આવ્યા બાદ મેં ખૂબ જ પ્રગતિ કરી છે. આવું કેમ?
આ પ્રશ્ર્ન ખરેખર અગત્યનો પણ છે અને વિષયની ઊંડાઈ બતાવે તેવો જ તેનો અદ્ભુત જવાબ છે.
પ્રાચીન સમયમાં કોઈ પણ બાંધકામ કે નિર્માણ માટે ઘરની મુખ્ય વ્યક્તિના હસ્ત (હાથ)નું માપ લેવામાં આવતું અને તેના આધારે ઘરના લંબાઈ અને પહોળાઈ તથા ઊંચાઈના માપ નક્કી કરવામાં આવતાં, જગ્યાના માપ સાઈઝ તમારા આય કે નક્ષત્રને અનુરૂપ હશે તો તે જગ્યા આપને અનુકૂળ રહેશે પરંતુ જરૂરી નથી કે તે બધાને અનુકુળ રહે જ.
- Advertisement -
ઉદાહરણ પરથી સમજીએ તો કોઈ એક રેડીમેઈડ શર્ટ જો મિડીયમ સાઈઝનું બનેલું છે તો તે મિડીયમ સાઈઝ ધરાવતી વ્યક્તિને ફીટ થશે, પરંતુ સ્મોલ કે લાર્જ સાઈઝવાળી વ્યક્તિને એ શર્ટ થશે નહીં.
પ્રકૃતિથી વિરૂદ્ધ બાંધકામ શૈલીમાં તમારી જીવનયાત્રા | પ્રકૃતિએ દર્શાવેલાં પંચમહાભૂત સાથેની તમારી જીવનયાત્રા
વિષય ખૂબ જ ગહન છે, પરંતુ ‘સુંઠના ગાંગડે ગાંધી’ જેવી વાત કરી આજકાલ લોકો જાતે જ બધું નક્કી કરી લેતાં હોય છે, જેવી રીતે દુ:ખાવો થાય તો દર વખતે હાર્ટએટેક ન હોય, સ્નાયુઓનો દુ:ખાવો કે ગેસની તકલીફ પણ હોઈ શકે પરંતુ ડોકટર પાસે ન જવું અને જાતે-જાતે કારણ નક્કી કરી દવા લેવી એ કેવી રીતે યોગ્ય હોઈ શકે?
આજકાલ તો વાસ્તુ ક્ધસલટન્ટની ફી ન ચૂકવવા કે બચાવવા લોકો ડીઝાઈનરને કે પોતાને જેટલું આવડતું હોય તેમ વાસ્તુ સેટ કરી લેતાં હોય છે, જેવી રીતે ફૂટબોલ કેમ રમવું તેની બુક વાંચી સીધુ મેદાનમાં રમવા માટે ન પહોંચી જવાય તેમ કોઈ પણ વિષયના નિષ્ણાત પાસેથી મેળવેલી સાચી સલાહ જ સરવાળે સસ્તી પડતી હોય છે.
માન્યતા અને વાસ્તવિકતા અંગેની કેટલીક સ્પષ્ટતા
- આપણે સ્વસ્થ હોઈએ અને એ કારણે મેડિસીનની જરૂર ન પડતી હોય તેથી જગતભરની બીમારી કે તેના માટેની દવાઓ નકામી બની જતી નથી, આ જ વાત વાસ્તુને લાગુ પડે છે.
- સ્મોલ સાઈઝનો શર્ટ ડબલ એક્સએલની સાઈઝ ધરાવનારને ફીટ ન બેસે પણ સ્મોલ સાઈઝની વ્યક્તિને પરફેક્ટ થાય, તેવું જ વાસ્તુની અસરોનું હોય છે.
- વાસ્તુ આપણી પ્રાચીન કાળની પરંપરા છે તેથી તેનું મહત્ત્વ છે. આપણા પૂર્વજો એટલા નિપુણ હતા કે તેઓ એ વર્ષોનાં વાતાવરણ, વરસાદ અને જમીનના ગુણધર્મોને આધારે નક્કી કર્યું કે, સૌરાષ્ટ્રની જમીનમાં મગફળી કે કપાસનું વાવેતર યોગ્ય છે. ચા કે કોફીનું નહીં. અપવાદરૂપ કિસ્સાઓમાં સફરજન થાય તેની અહીં વાત કરતા નથી, તેવી જ રીતે તેઓએ બાંધકામ દરમ્યાન જોયું કે સમાન પ્રકારની સમસ્યા ધરાવતા લોકોનાં ઘરમાં ઘણી સમાન પ્રકારની બાંધકામ ગોઠવણી હતી અને તેના આધારે તેઓએ પંચમહાભૂતને ધ્યાનમાં રાખી નિયમોની રચના કરી.