શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા આ મંદિરના ચમત્કારો સુપ્રસિદ્ધ છે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
કાશીની ઉપમા ધરાવતા હળવદ શહેરમાં ઉત્તર દિશાએ આવેલું અતિ પ્રાચીન સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આ મંદિર તેના ચમત્કારો માટે જાણીતું છે અને સોમવાર, 11 ઓગસ્ટ, 2025ના રોજ અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
લોકવાયકા મુજબ, શિવભક્તો ગમે તેટલી મુશ્કેલીમાં હોય અને શ્રદ્ધાપૂર્વક અહીં માનતા રાખે તો ભોળાનાથ તેમની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે.
મંદિર સાથે જોડાયેલા બે સુપ્રસિદ્ધ કિસ્સાઓ તેના ચમત્કારની સાક્ષી પૂરે છે. વર્ષો પહેલાં, એક તસ્કરે શિવલિંગ પર રહેલો ચાંદીનો નાગ ચોરી લીધો હતો, પરંતુ 24 કલાકમાં જ તે તેને મંદિર પરિસરમાં મૂકીને નાસી ગયો હતો. આવો જ એક બીજો કિસ્સો ફરી બન્યો હતો, જેમાં ચાંદીનો નાગ અને છતર ચોરી થયા બાદ ગણતરીના કલાકોમાં જ તસ્કરો તેને મંદિર પાછળ મૂકી ગયા હતા.
આ ચમત્કારોને કારણે આ શિવાલય આજે પણ સમગ્ર પંથકમાં જાણીતું છે અને સોમવારે અહીં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડવાની શક્યતા છે.
મંદિરના રક્ષણ કાજે શહીદ થયેલા યોદ્ધાઓના પાળિયાની આજે પણ પૂજા થાય છે
હળવદના સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા પાળિયાઓનો ઇતિહાસ ઘણો અનોખો અને ગૌરવપૂર્ણ છે. આ પાળિયાઓ આહીર (ચાવડા) સમાજના એવા રણબંકા યોદ્ધાઓના છે, જેઓ આ મંદિરના રક્ષણ માટે શહીદ થયા હતા.આ પાળિયાઓ માત્ર પથ્થરની મૂર્તિઓ નથી, પરંતુ શૌર્ય અને બલિદાનનું જીવંત પ્રતીક છે. આહીર સમાજના લોકો માટે તેમનું મહત્વ આજે પણ અખંડ છે. શિવલિંગની બાજુમાં આવેલા આ પાળિયાઓની નિત્ય પૂજા-આરતી કરવામાં આવે છે.આહીર (ચાવડા) સમાજના લોકો વર્ષમાં એકવાર અવશ્ય અહીં આવીને આ પાળિયાઓને નિવેદ ધરીને તેમની શ્રદ્ધા વ્યક્ત કરે છે.આ પાળિયાઓ એ વાતની યાદ અપાવે છે કે આ મંદિરની સાથે અનેક વીર યોદ્ધાઓનું બલિદાન જોડાયેલું છે.