જૂનાગઢવાસીઓને મુખ્યમંત્રીની અનેક વિકાસ ભેટ
ઐતિહાસિક કિલ્લાને નિહાળી ખુલ્લો મુકતા મુખ્યમંત્રી: ગિરનાર ભૂમિ પર બિરાજતા મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગીરનાર તીર્થ ક્ષેત્રની મુલાકાતે પધાર્યા હતા જેમાં હેલિપેડ ખાતે મહાનુભાવો અને અધિકરી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બગડુ ગામ ખાતે જિલ્લા સહકારી બેંક દ્વારા ત્રણ બેંક શાખાનો પ્રારંભ કરાવ્યો હતો અને ત્યાર બાદ રોપ-વે સફર કરીને ગીરનાર પર બિરાજમાન જગતજનની માં અંબાના દરબારમાં પોહચીને આરતી સાથે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી અને ગીરનાર પર્વત પર આવેલ ધર્મસ્થાનો તેમજ ગીરનાર પર યાત્રીકોની સુખાકારી મુદ્દે અંબાજી મંદીર પરીસર નિહાળ્યું હતું અને ત્યાર બાદ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાને નિહાળી અતિ પૌરાણિક ઉપરકોટ કિલ્લો લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ટાઉનહોલ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કુલ રૂ.438 કરોડથી વધુ રકમના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું હતું આમ મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢને વિકાસ કાર્યોની ભેટ મળી હતી.
- Advertisement -
ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાની શક્તિપીઠમાં અંબાજી ના દર્શન અને પૂજન માટે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાઘવજીભાઈ પટેલ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર સહિતા મહાનુભાવો એ માતાજી સન્મુખ પૂજા અર્ચના અને આરતી કરી હતી ત્યારબાદ મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુએ મુખ્યમંત્રીશ્રીને માતાજીની ચુંદડી અને પ્રસાદ અને ગિરિવર ગિરનારી મહારાજ ની છબી અર્પણ કરી સન્માનિત કર્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જે 114 કરોડ રૂપિયાની ગિરનાર અને ભવનાથ ક્ષેત્રના વિકાસ માટે જે કાર્ય હાથ ધરાયું છે તે અનુસંધાને પૂજ્ય બાપુએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી અને સન્માનિત કર્યા હતા મુખ્યમંત્રી અને મહાનુભાવો એ મંદિરમાં માતાજીના દર્શન પૂજન અર્ચન કરી મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને આગામી દિવસોમાં જે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે તે અંગેનું સૂચન અને માર્ગદર્શન મેળવ્યું હતું.
જૂનાગઢ અને સોરઠ પ્રદેશની ભવ્યતાને પ્રતિબિંબિત કરતાં ઉપરકોટના કિલ્લાના રૂ.74 કરોડના ખર્ચે રિસ્ટોરેશન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું ત્યારે જૂનાગઢ અને સમગ્ર ગુજરાતને પ્રવાસનની દ્રષ્ટિએ વધુ એક નજરાણું મળશે.ઈતિહાસ સાથે જેમનો નજીકનો નાતો રહ્યો છે, તેવા જાણીતા ઈતિહાસકાર સ્વ. શંભુપ્રસાદ દેસાઈના પુત્ર હરિશભાઈ દેસાઈ કહે છે કે, જૂનાગઢ અને ગુજરાત માટે ગૌરવ કહી શકાય તેવા ઉપરકોટના કિલ્લાને રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ ખુલ્લો મુકવામાં આવ્યો ગુજરાત સરકારે ખૂબ કાળજીપૂર્વક નિષ્ણાંતોની મદદથી રેસ્ટોરેશનનું કાર્ય કર્યું છે. ખાસ તેની પુરાતન ગરિમા જળવાઈ રહે તેની કાળજી લેવામાં આવી છે. ઉપરકોટ સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમુન છે. રાજસ્થાન પોતાના કિલ્લાઓના બાંધકામને લઈને પ્રસિદ્ધ છે. તેવી જ રીતે ઉપરકોટનો કિલ્લો તેમની સાથે પ્રતિસ્પર્ધા કરી શકે તેવો અને પુરાતન પણ છે. એક સમયે ઉગ્રસેનગઢ તરીકે ઓળખાતા આ ઉપરકોટના કિલ્લા સાથે ઘણી ઐતિહાસિક હકીકતો- માન્યતાઓ જોડાયેલી છે. કાળક્રમે લડાઈ અને યુદ્ધ પદ્ધતિમાં ફેરફાર થયા હશે તેવી રીતે ઉપરકોટના કિલ્લામાં જે તે સમયે ફેરફાર કરવામાં આવ્યા હશે.
- Advertisement -
આ કિલ્લા ઉપર 16-16 મોટા હુમલાઓ થયા હતા. સિધ્ધરાજ જયસિંહે 12-12 વર્ષે સુધી કેરો ઘાલ્યો હતો. જે તે સમયે ટાચા સાધનો સાથે નિર્માણ પામેલા ઉપરકોટનો કિલ્લો, અડી-કડી વાવ, નવઘણ કુવો, અદભૂત ઈજનેરી કૌશલ્યના નમૂના છે. ઈસવીસન 1893-94માં દિવાન હરિદાસ વિહારીદાસે ઉપરકોટના કિલ્લાનું નવીનીકરણ કરાવ્યું હતું.ખૂબ વિશાળ જગ્યામાં ફેલાયેલા કિલ્લામાં 2.5 કિલોમીટરનો સાયકલ પાથ અને વોકિંગ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે. રાણેક મહેલ, અનાજ ભંડાર, અડી-કડી વાવ, નવઘણ કુવો, સહિત કુલ 19 જેટલા સ્ટ્રક્ચરમાં રેસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત વ્યુ પોઇન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે.ઉપરકોટ કિલ્લો લાઈમ સ્ટોન એટલે કે ચૂનાના પથ્થરમાંથી બનેલો છે. જેથી લાઈમ ઉપરાંત અડદની દાળ, મેથી ગોળના પાણીના મિશ્રણથી રેસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી છે. આમ, પુરાતનતા જળવાઈ રહે અને મજબૂતી પણ મળી રહેશે.