એક અઠવાડિયામાં 4 અકસ્માતો સર્જાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
વંથલી જુનાગઢ રોડ પર કોયલી ફાટક ઓવરબ્રિજ થી મધુરમ સુધી રસ્તા પર ઉગી નીકળેલ ગાંડા બાવળ અને વાડલા ફાટક નજીક પડેલ મસમોટા ખાડાને કારણે અનેકવાર અકસ્માત સર્જાયા છે આ રસ્તા પર છેલ્લા એક અઠવાડિયામાં 4 જેટલા અકસ્માતો સર્જાયા છે પણ આ ગાંડા બાવળ તેમજ ખાડા રિપેર માટે તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે ગઇ કાલે એક માલવાહક રીક્ષા ખાડાથી બચવા જતા બેકાબૂ બનતા એસ. ટી.બસ સાથે અથડાતા રિક્ષાચાલકને ઇજા પહોંચી હતી .અહીથી નિયમિત પસાર થતાં રાહદારીઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ રસ્તા પર છેલ્લા બે વર્ષથી ગાંડા બાવળનું કટિંગ કરવામાં આવ્યું નથી પરિણામે રસ્તા પર સાઈડમાં રહેલ સફેદ પટ્ટા બહાર આ બાવળ ઉગી નીકળ્યાં છે પરિણામે ના છૂટકે અમારે રસ્તા પર વચ્ચે વાહન ચલાવવાની ફરજ પડે છે અને આ રસ્તા પર સિટી રાઇડ બસ, ઇકો,તેમજ રેતીના ડમ્પર તેમજ ટ્રેકટર બેફામ દોડતા હોય અકસ્માત સર્જાવાનો ભય રહે છે આ રસ્તા પર વાડલા ફાટક નજીક મસમોટા ખાડા પડેલ છે ઘણા ઘણા સમયથી આ ખાડામાં કાચી ધૂળ નાખી મરામત કરવામાં આવે છે થોડા દિવસ બાદ ફરી સ્થિતિ હતી એવી થઈ જાય છે આ રસ્તા પર કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા ગાંડા બાવળ દૂર કરવા,ખાડા મરામત કરવા તેમજ બેફામ માટેલા સાંઢ ની જેમ દોડતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી યોગ્ય કરવા લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે.