વર્ષ 1973થી બોર્ડની શરૂઆત અને અંતમાં ‘વંદે માતરમ્’ વગાડી રાષ્ટ્રપ્રેમ પ્રગટ કરાય છે
કેન્દ્રનો મોટો આદેશ: હવે ‘વંદે માતરમ્’ના તમામ 6 છંદો ગાવા ફરજિયાત, જન ગણ મન પહેલા વગાડવી પડશે ધૂન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને લઈને એક મહત્વપૂર્ણ નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ આદેશ અનુસાર, હવે સરકારી કાર્યક્રમોમાં વંદે માતરમ્ના તમામ છ છંદો ગાવા કે વગાડવા ફરજિયાત રહેશે. ખાસ વાત એ છે કે, જો રાષ્ટ્રગાન ’જન ગણ મન’ અને રાષ્ટ્રીય ગીત ’વંદે માતરમ્’ બંને સાથે વગાડવાના હોય, તો ’વંદે માતરમ્’ને પ્રાથમિકતા આપી પહેલા વગાડવાનું રહેશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજકોટ મહાનગરપાલિકાની વર્ષો જૂની પરંપરા પર મહોર વાગી છે. ઈ.સ. 1973માં સ્થાપના બાદ, છેલ્લા 45 વર્ષથી રાજકોટ મનપાની સામાન્ય સભામાં વંદે માતરમ્ ગીત વગાડવાની પરંપરા અવિરત ચાલી આવે છે. સભાની શરૂઆતમાં એજન્ડા પરની કાર્યવાહી પહેલા અને સભાની પૂર્ણાહુતિ વખતે એમ બે વાર વંદે માતરમ્ વગાડવામાં આવે છે.
રાજકોટ મનપાના ઈતિહાસમાં 1975થી 2015 સુધી 40 વર્ષ નગરસેવક રહેલા પૂર્વ જનસંઘી નેતાઓના સમયથી આ પ્રથા ચાલી આવે છે. સભામાં ભાજપ હોય કે કોંગ્રેસ, તમામ કોર્પોરેટરો અને અધિકારીઓ ગીત પૂરું ન થાય ત્યાં સુધી ’એટેન્શન’ની મુદ્રામાં ઊભા રહીને સંપૂર્ણ સન્માન આપે છે. અત્યાર સુધી આ પ્રથા સ્વૈચ્છિક હોવા છતાં એક નૈતિક ફરજ તરીકે પાળવામાં આવતી હતી.



