કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ઇસ પાર્ક કો નહીં દેખા તો કચ્છ નહીં દેખા
– કીન્નર આચાર્ય
કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી – CSR એક્ટિવિટિઝ. કંપનીઓ જે કમાણી કરે તેનાં અમુક ટકા સમાજ માટે ખર્ચ કરવાની એક જોગવાઈ છે. મોટાભાગની કંપનીઓ પોતાનાં જ હાથમાં રહે, પોતાનો કમાન્ડ રહે તેવું ટ્રસ્ટ ખોલી નાંખે છે અને તેમાં પછી દર વર્ષે ઈજછ ફંડ ઠાલવે છે અને પોતાને મનફાવે તેમ ખર્ચ કરે છે, ઈચ્છા પડે તેને દાન આપે છે. બહુ ઓછા વીરલાઓ એવા હોય છે- જે ખરા અર્થમાં સમાજને કશુંક અદ્ભુત આપે છે, અનન્ય, અતૂલ્ય ઉપહાર આપે છે. કચ્છનાં ભુજ નજીક આવેલાં ભુજોડી નામનાં નાનકડાં ગામમાં બનેલો હીરાલક્ષ્મી મેમોરિયલ ક્રાફટ પાર્ક આવી જ એક બેનમૂન ભેટ છે.
કચ્છ જવાનું ઘણી વખત બન્યું છે. અગાઉ પણ હીરાલક્ષ્મી પાર્ક જોયો છે. પરંતુ આ વખતે ઘણાં વર્ષે અહીંની મુલાકાત લીધી અને રીતસર સ્તબ્ધ થઈ જવાયું. અહીં બનાવવામાં આવેલું ‘વંદે માતરમ્ મેમોરિયલ’ કોઈને પણ નિ:શબ્દ કરી દેવા સમર્થ છે. અહીં આપણને જોવા મળે છે ભારતનાં સંસદ ભવનની આબેહુબ રેપ્લિકા. જેમાં 4ઉ ટેકનોલોજી દ્વારા ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામની ઝલક દર્શાવવામાં આવી છે. 1857થી શરૂ કરીને 1947 સુધીની સંઘર્ષગાથા કહેતો આ શો અભૂતપૂર્વ છે. અહીં ઈન્ડિયા ગેઈટ અને લાલ કિલ્લાની અફલાતૂન પ્રતિકૃતિ પણ છે. અહીં દરરોજ રાત્રે એક નાનકડો લેઝર શો પણ થાય છે. જો કે, અસલી ચમત્કાર સંસદ ભવનની અંદર થતો શો છે. બીજું પણ ઘણું જોવા જેવું છે. ગાંધીજીની વિરાટ કદની પ્રતિમા, મોટરકારમાં બેઠેલા ગાંધીજી અને અહીં બનાવવામાં આવેલાં કારીગરો માટેનાં સ્ટોલ્સ. હીરાલક્ષ્મી પાર્ક બનાવવા પાછળનો ઉદ્દેશ્ય જ વીસરાઈ ગયેલી, લુપ્તપ્રાય કચ્છી હસ્તકળાને નવજીવન આપવાનો હતો. અહીં કચ્છી ભૂંગા શૈલીમાં અનેક સ્ટોલ્સ બનાવાયા છે. કચ્છનાં હસ્તકળાનાં કારીગરોને અહીં નિ:શુલ્ક સ્ટોલ ફાળવાય. બાંધણીના કારીગર પણ આવે અને બાટિક પ્રિન્ટ, વુલન નામદા, મશરૂ ફેબ્રિક, રોગન પેઈન્ટિંગના કલાકાર પણ આવે, માટીકલા, કાષ્ટકલા અને ભરતકામ કરતાં કસબીઓ પણ આવે. અહીં જ વસ્તુઓ બનાવે અને અહીંયા જ એ બધી ચીજવસ્તુઓનું વેંચાણ કરે.
- Advertisement -
પાર્કનો કોન્સેપ્ટ એવો છે કે, દર મહિને કારીગરની આખી બેચ ફરી જાય. ડિસેમ્બરમાં તમને જે કળા અને કારીગરો અહીં જોવા મળે તે જાન્યુઆરીમાં ન હોય. જાન્યુઆરીમાં હોય એ ફેબ્રુઆરીમાં ન હોય. આશય એટલો જ કે, દરેક કળાને, પ્રત્યેક કારીગરને આજીવિકાની તક મળે, પોતાની કળા લોકો સુધી પહોંચાડવાનો ચાન્સ મળે.
યહ કૌન ચિત્રકાર હૈ! વેલ, આ સુંદર સ્વપ્નસૃષ્ટિની રચનાની ક્રેડિટ આશાપુરા માઈનકેમ નામની જાયન્ટ કંપનીનાં માલિક ચેતન શાહને જાય છે
પાર્કનો કોન્સેપ્ટ એવો છે કે, દર મહિને કારીગરની આખી બેચ ફરી જાય. ડિસેમ્બરમાં તમને જે કળા અને કારીગરો અહીં જોવા મળે તે જાન્યુઆરીમાં ન હોય. જાન્યુઆરીમાં હોય એ ફેબ્રુઆરીમાં ન હોય. આશય એટલો જ કે, દરેક કળાને, પ્રત્યેક કારીગરને આજીવિકાની તક મળે, પોતાની કળા લોકો સુધી પહોંચાડવાનો ચાન્સ મળે. અતિશયોક્તિ વગર કહીએ તો પણ કહેવું રહ્યું કે, હીરાલક્ષ્મી ક્રાફટ પાર્કએ કચ્છની અનેક મૃત:પ્રાય હસ્તકળાને લુપ્ત થતી બચાવી લીધી છે. ઉદાહરણ તરીકે: લેરિયા (લહેરિયા)ની કળા. આવી તો અનેક આર્ટ છે. આ પાર્ક થકી એ કાર્ય થયું છે- જે સરકારની મોટી-મોટી યોજનાઓ પણ નથી કરી શકી. શિયાળામાં અહીં ટુરિસ્ટ સીઝન પિક પર હોય. રણોત્સવ શરૂ થયા પછી તો કચ્છ આખું જાણે ખીલી ઉઠે. એ સમયે કારીગરોનાં જીવનમાં પણ જાણે વસંત બેસે. અહીં પાર્કમાં નિ:શૂલ્ક સ્ટોલ મળે અને રહેવા-જમવાનું પણ બિલકુલ ફ્રી.
- Advertisement -
અમદાવાદ-સૌરાષ્ટ્રથી ભુજ તરફ જતાં હોવ તો ભુજ આઠેક કિલોમીટર દૂર હોય ત્યાં જ ડાબા હાથે ભુજોડીનો રસ્તો ફંટાય. આમ તો આ આખું ગામ જ હસ્તકળાનાં કારીગરોનું છે. પરંતુ હીરાલક્ષ્મી પાર્ક બન્યા પછી જ સ્થાનિક કારીગરોને પણ ભરપૂર લાભ થયો. અહીં અનેક કારીગરોએ ઘરમાં જ પોતાની દુકાન પણ બનાવી લીધી છે. પાર્કની બહાર પણ એક સરસ મજાનું હસ્તકળા માર્કેટ બની ગયું છે. અહીં તમને સામાન્ય કલાકૃતિ પણ મળી રહે અને પ્રીમિયમ કવોલિટીની મોંઘીદાટ વસ્તુઓ પણ મળી જાય. અગાઉ પણ ભુજોડી તો કારીગરોનું જ ગામડું હતું. પણ, અહીં જૂજ પર્યટકો આવતા. હીરાલક્ષ્મી પાર્ક બન્યા પછી ટુરિસ્ટ્સનો પ્રવાહ એટલી હદે વધી ગયો કે, આજે આ નાનકડું ગામડું પ્રવાસનનાં નકશા પર આવી ગયું.
‘હીરાલક્ષ્મી ક્રાફટ પાર્ક’ વિશે લખવું શક્ય નથી. લખીને તેને ન્યાય ન આપી શકાય. હીરાલક્ષ્મી પાર્ક એક લ્હાવો છે. એક આહલાદક અનુભવ છે. લગભગ અઢારેક એકરમાં ફેલાયેલું આ કેમ્પસ હરિયાળું છે, આંખોને ટાઢક આપે તેવું છે. કહો કે, એ એક લેન્ડસ્કેપ છે. એકદમ સુંદર. સ્ટનિંગ અને બ્યુટીફુલ.
આખા કેમ્પસમાં અનેક આકર્ષણો છે. ઈન્ડિયા ગેટ જેવા પ્રવેશદ્વારથી તમે આ પાર્કમાં પગ મૂકો કે, તરત જ આંખો ઠારતી હરિયાળી, ફુલો, લોન, ફુવારા આપણને તરબતર કરી દે. ચોતરફ સુંદરતા જ સુંદરતા. આપણને સવાલ થાય: યહ કૌન ચિત્રકાર હૈ! વેલ, આ સુંદર સ્વપ્નસૃષ્ટિની રચનાની ક્રેડિટ આશાપુરા માઈનકેમ નામની જાયન્ટ કંપનીનાં માલિક ચેતન શાહને જાય છે. કદી મળવાનું બન્યું નથી, સાંભળ્યું છે કે, મુંબઈ રહે છે. જાણ્યું છે અને જોયું છે એ મુજબ કચ્છીયત તેમનાં ડીએનએ સાથે ભળેલી છે, તેમાં અંકાઈ ગઈ છે. કચ્છીયતની ફિકર હોય, કચ્છી કળાની કદર હોય તો જ આવો વિચાર આવે અને એ વિચારને સાકાર કરવા દૃઢનિશ્ર્ચિયી બની શકાય. તેમણે પોતાનાં માતાનું નામ આ પાર્કને આપ્યું છે, પરંતુ વાસ્તવમાં એ દરેક કચ્છી કલાકારને પોતીકો લાગે તેવો છે. કચ્છ તમે જોયું જ હશે. ભુજ, અંજાર, ધોરડો કે નારાયણ સરોવર પણ ગયા હશો. અમિતાભ બચ્ચન કહે છે કે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હું કહું છું કે, યહ પાર્ક નહીં દેખા તો કચ્છ નહીં દેખા!