જે બેઠક પરથી નરેન્દ્ર મોદી, વજુભાઈ વાળા, વિજય રૂપાણી જેવા મહાનુભાવો લડ્યા તે બેઠક પરથી પામર દર્શિતા શાહ લડશે!
ભાજપનાં કાર્યકરોમાં ભયંકર આક્રોશ: કૉંગ્રેસ મજબૂત ઉમેદવાર મૂકશે તો સલામત બેઠક પર પણ દર્શિતાબેનને ભારે પડી જશે!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વિધાનસભા 69ની બેઠક પર ભાજપમાંથી ડો. દર્શિતા શાહનું નામ જાહેર થતાની સાથે જ રાજકોટ શહેર ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોમાં અંદરખાને ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે. ભાજપ મોવડીમંડળ દ્વારા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની બેઠક પર દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક આગેવાનો અને કાર્યકરોમાં ભારે અસંતોષની લાગણી વ્યાપક બને એવી સ્થિતિ સર્જાઈ છે. દર્શિતા શાહ પાસે રાજકારણનો લાંબો અનુભવ કે સંગઠનની સમજણ ન હોવા છતાં તેને ભાજપ દ્વારા ટિકિટ આપી દેતા તરહતરહની વાતો ચર્ચાવા લાગી છે. બાપદાદાના નામ અને કામ પર દર્શિતા શાહને અગાઉ બબ્બેવાર ડે. મેયર અને કોર્પોરેટર બનાવવામાં આવ્યા છે ત્યારે હવે તેનાથી પણ આગળ તેમને ધારાસભાની ટિકિટ ફાળવી દેવામાં આવી છે એ પણ માત્રને માત્ર તેમના પરિવારના સંઘ-સરકાર સાથેના સંબંધોને કારણે.. અન્યથા દર્શિતા શાહ પાસે ધારાસભાની ચૂંટણી લડી શકે તેવી કોઈ લાયકાત જ નથી અને તેથી જ રાજકોટ શહેર ભાજપના જુના જોગીઓની જગ્યાએ દર્શિતા શાહનું નામ જાહેર થતાની સાથે રાજકોટ શહેર ભાજપમાં વર્ષોથી પરસેવો પાડતા અને ચપ્પલ ઘસતા કાર્યકરોએ કકડાટ કરી મૂક્યો છે.
મિરાણી, ઉપાધ્યાય, ભારદ્વાજ, શુકલ ટંકોરી વગાડતા રહી ગયા, દર્શિતાબેન દાવ કરી ગયા
રાજકોટ વિધાનસભા 69 વિસ્તારમાં વર્ષોથી સંગઠન અને સરકાર માટે તન, ધન, મનથી કાર્ય કરતા ભાજપના આગેવાનો કમલેશ મિરાણી, જૈમન ઉપાધ્યાય અને નીતિન ભારદ્વાજ અને કશ્યપ શુકલ ટંકોરી વગાડતાં રહી ગયા છે. જેઓ ટિકિટના પ્રબળ દાવેદાર ગણાતા હતા એવા ભાજપના પાયાના પથ્થરની જગ્યાએ સંઘ બેકગ્રાઉન્ડને આગળ ધરી દર્શિતા શાહનું પેરાશૂટ લેન્ડિંગ થયું છે. જનસંઘના સમયના સંઘ-ભાજપના પાયાના પથ્થર એવા પપ્પાજીના પારિવારીક સભ્ય હોવાનો દર્શિતા શાહનો દાવ સફળ રહ્યો છે. કમલેશ મિરાણી, જૈમન ઉપાધ્યાય અને નીતિન ભારદ્વાજ અને કશ્યપ શુકલની કામગીરીની નોંધ લેવાની જગ્યાએ ભાજપે દર્શિતા શાહના પારિવારિક બેકગ્રાઉન્ડ પર વધુ ધ્યાન આપ્યું છે.
રાજકોટની પ્રતિષ્ઠિત બેઠક પર ‘શાહ’ને ટિકિટ મળતાં બેઠકની ‘શાખ’ ધૂળમાં ગઈ
રાજકોટ ભાજપના ગઢમાં આવેલી વિધાનસભા-69 બેઠક પરથી નરેન્દ્રભાઈ મોદી, વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી ચૂંટણી લડ્યા છે જેઓ પાસે સંઘ, સંગઠન અને સરકારનો દસકોનો અનુભવ હતો. હજારો કાર્યકર્તાઓનો સાથ-સહકાર અને મતદારોનો સ્નેહ હતો. ભાજપના પાયાના પથ્થરો માટેની સુરક્ષિત ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠકની ગણના પ્રતિષ્ઠિત બેઠકોમાં થાય છે. આ પ્રતિષ્ઠિત બેઠક પર હવે ભાજપમાંથી દર્શિતા શાહનું નામ જાહેર થતાની સાથે જ અનેક કારણોસર બેઠકની શાખ ધૂળમાં ભળી ગઈ છે.