બિહારના વૈભવ સૂર્યવંશીએ વિજય હજારે ટ્રોફી 2025-26ના પ્રથમ દિવસે અરુણાચલ પ્રદેશ સામે તેના 84 બોલમાં 190 રન કરીને લિસ્ટ એ રેકોર્ડ બુક ફરીથી લખી.
ભારતીય ઘરેલુ ક્રિકેટમાં બુધવારે એક 14 વર્ષના યુવા બેટ્સમેને પોતાના બેટથી એવો તરખાટ મચાવ્યો કે ક્રિકેટ જગત દંગ રહી ગયું. બિહારના યુવા પ્રતિભાશાળી ખેલાડી વૈભવ સૂર્યવંશીએ વિજય હઝારે ટ્રોફીમાં એક એવી વિસ્ફોટક ઇનિંગ્સ રમી, જેણે તેને વિશ્વ રેકોર્ડ બુકમાં સ્થાન અપાવ્યું છે. તેની આક્રમક બેટિંગે સૌને મંત્રમુગ્ધ કરી દીધા અને ભવિષ્યના સુપરસ્ટાર તરીકેની તેમની છાપ વધુ મજબૂત બનાવી છે.
- Advertisement -
ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને અવિશ્વસનીય સ્ટ્રાઇક રેટ
વિજય હઝારે ટ્રોફી 2025-26ની પ્લેટ ગ્રુપ મેચમાં બિહાર તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશના બોલરોની જબરદસ્ત ધોલાઈ કરી હતી. તેણે માત્ર 84 બોલમાં 16 ચોગ્ગા અને 15 ગગનચુંબી છગ્ગાની મદદથી 190 રનની શાનદાર ઇનિંગ્સ રમી. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 226.19 જેવો અકલ્પનીય રહ્યો હતો. જોકે અફસોસ એ વાતનો છે કે તે બેવડી સદીથી માત્ર 10 રનથી ચૂકી ગયો. પરંતુ તેની ઇનિંગ્સે એક મોટો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરી દીધો.
એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો
- Advertisement -
આ તોફાની ઇનિંગ્સ દરમિયાન, વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ A ક્રિકેટમાં (વનડે મેચો) સૌથી ઝડપી 150 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે માત્ર 54 બોલમાં 150 રનનો આંકડો પાર કરી લીધો હતો. આ મામલે તેણે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન ‘મિસ્ટર 360’ એબી ડી વિલિયર્સને પણ પાછળ છોડી દીધો, જેણે 64 બોલમાં 150 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વૈભવની આ સિદ્ધિ ખરેખર ઐતિહાસિક છે.
નાની ઉંમરમાં સતત શાનદાર પ્રદર્શન
14 વર્ષના આ ડાબોડી બેટ્સમેન માટે આ કોઈ પહેલી સિદ્ધિ નથી. વૈભવ સૂર્યવંશી આ પહેલા IPL, યૂથ વનડે, યૂથ ટેસ્ટ, ઈન્ડિયા A, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને અંડર-19 એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પણ સદી ફટકારી ચૂક્યો છે. તેનું સતત શાનદાર પ્રદર્શન તેની અદભૂત પ્રતિભા અને મહેનત દર્શાવે છે. ક્રિકેટ પંડિતો માની રહ્યા છે કે જો તેઓ આ જ રીતે પ્રદર્શન કરતા રહેશે તો ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મેળવવાથી વધુ દૂર નથી.




