કોન્ટ્રાકટ પરત અપાવવાનું કહી ચાર ઈસમોએ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી; વાંકાનેર સિટી પોલીસે ગુનો નોંધ્યો
ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર
- Advertisement -
વાંકાનેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકાની ઓફિસમાં ચાર અજાણ્યા અને જાણીતા ઇસમોએ ઘૂસીને ટોલ મેનેજરને હથિયાર બતાવી ગંભીર ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. વાંકાનેર સિટી પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
આ અંગે મૂળ બિહારના વતની અને હાલ વાંકાનેર રહેતા ટોલનાકાના મેનેજર મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ (ઉ.વ.37)એ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપીઓ રવિરાજ ઝાલા, હરૂભા ઝાલા અને બે અજાણ્યા ઇસમો (તમામ રહે. વઘાસીયા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ગત તા. 11ના રોજ સાંજના સુમારે મેનેજર મુકેશકુમાર ઓફિસમાં હાજર હતા, ત્યારે આરોપીઓ અંદર ઘૂસી આવ્યા હતા. આરોપી રવિરાજે પોતાના લાયસન્સ વાળા હથિયાર પર હાથ રાખીને મુકેશકુમારને ધમકી આપી હતી. આરોપીઓએ અગાઉ મૂકી દીધેલો ટોલનાકાનો કોન્ટ્રાક્ટ પરત અપાવવાનું કહીને મેનેજરને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.



