વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો થવા પામ્યો છે. જેમાં લેક ઝોનનાં ભાગીદારો ખુદ જ બોટિંગનાં નિયમો ન જાણતા હોવાનું સામે આવ્યું છે.
વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટના બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જેમાં લેક ઝોનનાં ભાગીદારોની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો હતો. જેમાં લેક ઝોનનાં ભાગીદારો ખુદ ન હોતા જાણતા બોટિંગના નિયમો. બોટિંગ માટે શું જરૂરી હોય છે તેનું એકેયને જ્ઞાન જ ન હતું. બોટિંગ માટે ક્યાં પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ તેની પણ જાણકારી ન હતી.
- Advertisement -
પૈસા બચાવવા બિન અનુભવી સ્ટાફ પસંદ કર્યો
તેમજ જોખમી રાઈડ્સ માટે કેવા નિયમો હોવા જોઈએ તે જાણવાની પણ તસ્દી ન લીધી. તેમજ બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરતી નિલેશ જૈને કરી હતી. પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિન અનુભવી સ્ટાફ પસંદ કર્યો હતો. તેમજ સંચાલકોએ જરૂરી લાયસન્સો, વીમો કે રજીસ્ટ્રેશન સુદ્ધા કરાવ્યું નથી.
6 આરોપીઓની પોલીસને ભાળ નથી મળી
વડોદરામાં બોટ દુર્ઘટનાના હજુ પણ 6 આરોપી ફરાર છે. ક્ષમતા કરતા વધુ લોકો હોવાથી બોટ પલટી હોવાનો FSL રિપોર્ટમાં ઉલ્લેખ છે. ત્યારે ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓની પોલીસને ભાળ નથી મળી. ઘટનાને 15 દિવસથી વધુ સમય વિત્યો છતા તમામ ભાગીદારને પકડવામાં પોલીસને સફળતા નથી મળી. જો કે SITએ 20 લોકોને આરોપી બનાવ્યા છે. નિલેશ જૈન રાઈડ્સનું સંચાલન કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તો પરેશ શાહે ખાનગીમાં નિલેશ જૈનને સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
બોટની ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાના લીધે દુર્ઘટના થયાનો ઘટસ્ફોટ
વડોદરા હરણી દુર્ઘટના કેસમાં FSLના રિપોર્ટમાં ખુલાસો થયો છે. બોટની ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાના લીધે દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે. ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાથી બોટ પલટી હોવાનું પ્રાથમિક તારણ છે. ઘટનાની જવાબદારી નક્કી કરવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે પોલીસ દ્વારા નિવેદન તથા આરોપીઓની મિલકતના સરવેની કામગીરી યથાવત્ છે.
- Advertisement -
જાણો સમગ્ર દૂર્ઘટનાનો કેસ
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો.