કાલથી ફરી પ્રિકોશન ડોઝ લોકોને અપાશે
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના સામે રક્ષણ આપવામાં કારગર નિવડતી વેક્સિનનો ત્રીજો ડોઝ ફક્ત વૃદ્ધો અને કોરોના વોરિયર્સને ફ્રીમાં અપાતો હતો, પણ આઝાદીના અમૃત મહોત્સવને લઈને આગામી 15 દિવસ સુધી બધાને મફત અપાશે તેવી જાહેરાત કરાઈ હતી પણ બે દિવસ રસી આપ્યા બાદ સોમવારે જ તંત્ર હાંફી ગયું હતું અને રાજ્યભરમાં રસીની અછત સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં તો રસીકરણ જ બંધ કરી દેવાયું હતું અને શહેરોમાં મંગળવારે પણ સેશન થવાના નથી.
- Advertisement -
રાજકોટ શહેરમાં 8 લાખ લોકોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે. પ્રથમ દિવસે 5100એ ડોઝ લીધો, બીજા દિવસે શનિવારે 4130 હતા, રવિવારે રજા હતી અને સોમવારે ફક્ત 1050નો જથ્થો મળ્યો હતો. આથી પહેલી કલાકમાં જ વેક્સિનેશન થઈ ગયું પછી લોકો આવતા ના પાડવી પડી હતી અને આરોગ્ય કેન્દ્રના દરવાજાઓ પર વેક્સિનેશન બંધ કર્યાના બોર્ડ લગાવ્યા હતા. શહેરમાં 8 લાખ લોકો પ્રિકોશન ડોઝ લેવામાં બાકી છે બધાને રસી આપવાની વાતો વચ્ચે 10,000માં જ તંત્ર હાંફી ગયું હતું. છેલ્લે કેન્દ્ર સરકાર પાસે સ્ટોક મગાયો છે તેવી દરેક સેન્ટરમાં માહિતી અપાઈ હતી જેથી એ સ્પષ્ટ થયું છે કે, હજુ બે ત્રણ દિવસ સુધી સ્ટોક આવવાની કોઈ શક્યતા નથી.
રાજકોટના મેયર ડો પ્રદીપ ડવે જણાવ્યું છે કે, વેક્સિનની અછત સર્જાઈ હતી. આથી વેક્સિન આપી શકાય નથી, આજે સાંજે જથ્થો આવી જશે તો વેક્સિન આવતીકાલથી ફરી બુસ્ટર ડોઝ આપવામાં આવશે. રાજકોટમાં 8 લાખ બુસ્ટર ડોઝની જરૂર હોય એ મુજબ મગવાયા છે.