ડિજિટલ ઈન્ડિયા માત્ર વાતોમાં, ટેક્નિકલ સાધનોની અછત સાથે મીટર રીડરો કામ કરે છે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળ રાજકોટ દ્વારા પીજીવીસીએલનાં મીટર રીડર્સને થતાં અન્યાય અને સામુહિક પ્રશ્નનોની ચર્ચા કરવા અંગે તમામ મીટર રીડર્સોની મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં અંદાજે રાજકોટ શહેરની જુદી જુદી કચેરીના લગભગ 150થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળ રાજકોટના એડીશનલ જનરલ સેક્રેટરી મહેન્દ્ર ચાવડાએ મીટર રીડર્સોની માંગણી અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, GSO4ના નિયમો અનુસાર દરેક મીટર રીડર્સને જાહેર રજા મળવા પાત્ર છે. તેમજ બીજા અને ચોથા શનિ-રવિની રજા પણ મળવા પાત્ર છે. પરંતુ પીજીવીસીએલ આ નિયમોને નેવે મુકીને તહેવારોના દિવસે પણ મીટર રીડર્સોને કામ કરવાની ફરજ પાડે છે. મેનેજમેન્ટ ઉદાસીનતા દાખવીને કર્મચારીઓના પ્રશ્નોનું ચોક્કસ નિરાકરણ લાવતા નથી. આ ઉપરાંત ડિજીટલ ઈન્ડીયાનું સ્વપ્ન માત્ર વાતો પૂરતું સિમિત છે. મીટર રીડર્સોને મોબાઈલ અને પ્રિન્ટર જેવા સાધનો પણ સંખ્યા અનુસાર પૂરા પાડવામાં આવ્યા નથી. મીટર રીડર્સો ઓછા સાધનો સાથે કામ કરી રહ્યા છે. ત્યારે ઉત્કર્ષ મંડળની માત્ર એટલી જ માંગ છે કે અમને હકની રજાઓ મળવી જોઈએ અને પૂરતાં પ્રમાણમાં ટેક્નિકલ સાધનો આપવા જોઈએ.


