લુટનિકે ટ્રમ્પ અને મોદીના અનોખા લોકશાહી આદેશ પર પ્રકાશ પાડતા કહ્યું કે, “હું કહીશ કે ભારત-અમેરિકા વેપાર કરાર માટેના દૃષ્ટિકોણ વિશે ખૂબ જ આશાવાદી છું”.
અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો દિવસે દિવસે વધુ મજબૂત બનતા જઈ રહ્યા છે. વોશિંગ્ટન ડીસીમાં આયોજિત ફોરમમાં અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે આ ઊંડા સંબંધો વિશે મહત્વપૂર્ણ બાબતો રજૂ કરી.
- Advertisement -
વોશિંગ્ટન ડીસીમાં આયોજિત US-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત અને વિશિષ્ટ સંબંધોની વાત કરી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બંને એવા નેતાઓ છે જેમણે દેશના મોટાભાગના લોકોનો આધાર મેળવીને પ્રશાસન સંભાળ્યું છે. દુનિયામાં એવા નેતાઓ ઘણાં ઓછાં હોય છે જેમને આખા દેશનો જનાદેશ મળ્યો હોય. આ જ બાબત બંને દેશોના નેતાઓને જોડે છે અને તેમના સંબંધોને ખાસ અને દુર્લભ બનાવે છે.
શું કહ્યું હોવર્ડ લુટનિકે?
લુટનિકે સ્પષ્ટ કહ્યું કે જ્યારે દેશો વચ્ચેના સંબંધ મજબૂત હોય છે, ત્યારે વેપાર કરાર જેવી બાબતો સરળ બને છે. તેમણે ભારતમાં ચાલી રહેલા આર્થિક પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે સામાન્ય રીતે વેપાર કરારો થવામાં વર્ષો લાગી જાય છે, પરંતુ ભારત તે પ્રક્રિયાને ઝડપથી આગળ લઈ જવાનું કામ કરી રહ્યું છે. “જે દેશો પહેલા આગળ વધે છે, તેમને હંમેશા વધુ સારો સોદો મળે છે,” એમ તેમણે ઉમેર્યું અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને દેશો ટૂંક સમયમાં પરસ્પર લાભદાયી કરાર કરી શકે છે.
- Advertisement -
લુટનિકે ભારત પ્રત્યેના પોતાના લાગણીઓને પણ ખુલ્લેઆમ વ્યક્ત કર્યા. તેમણે કહ્યું, “હું ભારતનો મોટો ચાહક છું. મારા સારા મિત્ર નિકેશ અરોરા ભારતીય છે. જયારે હું ભારત ગયો હતો, ત્યારે અમે ક્રિકેટ રમતા હતા, પાર્ટીઓ કરતા હતા – તે અનુભવ ઘણો યાદગાર હતો.”
‘મિત્ર દેશોને શ્રેષ્ઠ ચિપ્સ આપવા માંગુ છું’
AI અને ટેકનિકલ સહયોગ પર બોલતા, લુટનિકે કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્ર તેના સાથી દેશોને સાથે લેવાનું વિચારી રહ્યું છે. અમે અમારા મિત્ર દેશોને અમારી શ્રેષ્ઠ ચિપ્સ આપવા માંગીએ છીએ, જો તેઓ ખોટા હાથમાં ન જાય. જો ભારત વિશાળ ડેટા સેન્ટર બનાવવા માંગે છે અને AI ક્રાંતિમાં ભાગીદાર બનવા માંગે છે, તો અમે તેના માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.
છેલ્લે લુટનિકે કહ્યું કે ટ્રમ્પની નીતિ ‘અમેરિકા ફર્સ્ટ’ છે, પણ તેનો અર્થ ‘ફક્ત અમેરિકા’ નથી. પહેલા પોતાને મજબૂત બનાવી, પછી મિત્ર દેશોની પણ સાથે સાથે પ્રગતિ કરવાની તેમની યોજના છે. તેમણે જણાવ્યું કે ટ્રમ્પને ભારત પ્રત્યે ઊંડો માન અને આદર છે અને બંને દેશો એક મહાન ભાગીદારી તરફ આગળ વધી રહ્યાં છે. આ બધું દર્શાવે છે કે ભારત અને અમેરિકાના સંબંધો માત્ર વ્યાપાર પુરતા મર્યાદિત નથી, પણ ટેકનોલોજી, નેતૃત્વ અને પરસ્પર વિશ્વાસ પર આધારિત ઊંડા સંબંધો છે.