યુકે અને અમેરિકાની સિક્યૉરિટી સર્વિસિસના વડાએ લંડનમાં જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સ કરીને ચીનની ચાલાકીઓ વિશે જણાવ્યું.
લંડન: યુકે અને અમેરિકાની સિક્યૉરિટી સર્વિસિસના વડાએ બુધવારે લંડનમાં એક અભૂતપૂર્વ જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી, જે રેર ઘટના છે. આ જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સમાં તેમણે બન્નેએ ચીન તરફથી ખતરા વિશે જણાવ્યું હતું. તેમણે દુનિયાને ચેતવણી આપી છે કે ચીન અમેરિકન અને યુરોપિયન દેશોની ટેક્નૉલૉજી ચોરી રહ્યું છે, એટલું જ નહીં, લૉબિંગ અને મનીપાવર દ્વારા સરકારની પૉલિસી ઘડવા પર પણ પ્રભાવ પાડી રહ્યું છે.
- Advertisement -
અમેરિકાની એફબીઆઇના ડિરેક્ટર ક્રિસ્ટોફર વ્રેએ કહ્યું હતું કે ‘ચીન આપણી આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાને લાંબા ગાળે સૌથી મોટો ખતરો છે અને એણે રાજકારણમાં હસ્તક્ષેપ કર્યો છે.’
યુકેની એમઆઇ-ફાઇવના હેડ કેન મૅક્લમે કહ્યું હતું કે તેમની એજન્સીએ છેલ્લાં ત્રણ વર્ષમાં ચાઇનીઝ ઍક્ટિવિટીઝની વિરુદ્ધ નજર રાખવા પોતાની કામગીરી વધારી છે. આ કામગીરીને વધુ એક વખત બમણી કરવામાં આવશે.
ભારતે સજ્જતા કેળવવી પડશે
સવાલ એ છે કે અમેરિકા અને બ્રિટન દ્વારા આપવામાં આવેલી આ ચેતવણીને ભારતે પણ ગંભીરતાથી લેવી જોઈએ? ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને મિલિટરીની સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ ૩૪૮૮ કિલોમીટર લાંબી વાસ્તવિક અંકુશરેખા પર ચીન જે રીતે વ્યાપક મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે એને લઈને ચિંતિત છે. જોકે ભારતમાં વાસ્તવિક અંકુશરેખા પર રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટેની ફાઇલ્સ પર એટલી ઝડપથી કામ થઈ રહ્યું નથી. વળી ચીન દ્વારા ભારતમાં ખડકવામાં આવતા એના માલસામાન તેમ જ ભારતમાં કામ કરતી ચાઇનીઝ કંપનીઓ દ્વારા મની-લૉન્ડરિંગ તેમ જ ભારતીયોના ડેટાની ચોરી જેવા અનેક પડકાર ભારત સમક્ષ છે.
- Advertisement -
ચીન આ રીતે જાળ બિછાવે છે
એફબીઆઇના વડાએ બિઝનેસ હાઉસિસ અને યુનિવર્સિટીઓને ચેતવતાં કહ્યું હતું કે ચાઇનીઝ સરકાર તમારી ટેક્નૉલૉજીની ચોરી કરી રહી છે અને એનો ઉપયોગ કરી રહી છે. ક્રિસ્ટોફરે કહ્યું હતું કે અમેરિકા અને યુરોપિયન દેશોના બિઝનેસને ચીનથી જે ખતરો છે એનો ત્યાંના બિઝનેસ સાથે જોડાયેલી વ્યક્તિઓને અંદાજ સુધ્ધાં નથી.
જેમ કે ગ્રામીણ અમેરિકામાં ચાઇનીઝ કંપનીઓ સાથે જોડાયેલા લોકો જિનેટિક રીતે સંશોધિત બીજની જાણકારી મેળવી રહ્યા છે, જેને ડેવલપ કરવામાં ચીનને કદાચ એક દસકો લાગી જાય અનેઅબજો રૂપિયાનો ખર્ચો થાય.
ક્રિસ્ટોફરે એમ પણ કહ્યું હતું કે ચીને સાઇબર જાસૂસો તહેનાત કર્યા છે જેઓ અનેક પ્રકારના ફ્રૉડમાં સામેલ છે.
એમઆઇ-ફાઇવના વડાએ ચીન ટેક્નૉલૉજીની ચોરી માટે કેવી કોશિશ કરે છે એના વિશે કહ્યું હતું કે ‘એક બ્રિટિશ એવિયેશન એક્સપર્ટનો ચીને ઑનલાઇન સંપર્ક કર્યો હતો. તેમને ખૂબ સારી નોકરી ઑફર કરવામાં આવી હતી. આ એક્સપર્ટ બે વખત ચીન ગયા હતા.
આ એક્સપર્ટ પાસેથી મિલિટરી ઍરક્રાફ્ટને સંબંધિત ટેક્નૉલૉજીની જાણકારી ચીને માગી હતી. આ જાણકારી એક કંપનીએ માગી હતી. જે વાસ્તવમાં ચાઇનીઝ ઇન્ટેલિજન્સ અધિકારીઓનું એક ગ્રુપ હતું.
એફબીઆઇના ડિરેક્ટરે કહ્યું હતું કે અમેરિકામાં ચાઇનીઝ સરકારે ન્યુ યૉર્કમાં કૉન્ગ્રેશનલ ઇલેક્શનમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્પષ્ટ રીતે હસ્તક્ષેપ કર્યો હતો. ચીન ઇચ્છતું હતું કે એવા ઉમેદવારની પસંદગી ન થાય જે એની ટીકા કરે.