ખાસ-ખબર ન્યૂઝ વોશિગ્ટન, તા.19
અમેરિકાએ બુધવારે પાકિસ્તાનને એક મોટો ઝટકો આપતાં તેના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં યોગદાન આપતી ચાર સંસ્થાઓ પર અચાનક પ્રતિબંધ મૂકી દીધો. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે કહ્યું કે અમેરિકા પાકિસ્તાનના કાર્યક્રમ પર સતત નજર રાખી રહ્યું હતું અને અમે આ મામલે પહેલા પણ ચિંતા વ્યક્ત કરી હતી.
ડ પર એક પોસ્ટમાં મિલરે કહ્યું કે આજે અમેરિકા ચાર સંસ્થાઓના નામ જાહેર કરી રહ્યું છે જે પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં ફાળો આપી રહી હતી. આ સંસ્થાઓ સામૂહિક વિનાશ કરે તેવા હથિયારો બનાવે છે. હવે પ્રતિબંધ હેઠળ આ સંસ્થાઓની કોઈપણ અમેરિકન સંપત્તિ ફ્રીઝ કરી દેવાશે અને અમેરિકન નાગરિકોને આ કંપનીઓ સાથે ડીલ કે વેપાર કરતાં અટકાવાશે. આ મામલે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ જવાબ આપ્યો હતો કે અમેરિકાની આ કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ અને પક્ષપાતી છે. તે પ્રાદેશિક સ્થિરતાને નુકસાન પહોંચાડશે. વિદેશ મંત્રાલયની એક ફેક્ટ શીટ અનુસાર ઈસ્લામાબાદ સ્થિત નેશનલ ડેવલપમેન્ટ કોમ્પલેક્સ (એનડીસી)એ પાકિસ્તાનના લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ અને મિસાઈલ પરીક્ષણ ઉપકરણ માટે સામાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં કહેવાયું હતું કે એનડીસી પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલના ડેવલપમેન્ટ માટે જવાબદાર છે જેમાં શાહીન પરિવારની મિસાઈલો પણ સામેલ છે.