લેફ્ટનન્ટ ગવર્નરના સંબોધન દરમિયાન AAP ધારાસભ્યોએ હોબાળો શરૂ કર્યો અને ત્યારબાદ સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ આતિશી સહિત 12 ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા અને માર્શલોને બોલાવીને તેમને બહાર કાઢી મૂક્યા
આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બાબા સાહેબ આંબેડકરનું ચિત્ર હટાવીને PM મોદીનું ચિત્ર લગાવવામાં આવ્યું છે. આ મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો. આજે વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નરના સંબોધન દરમિયાન AAP ધારાસભ્યોએ હોબાળો શરૂ કર્યો, ત્યારબાદ સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ આતિશી સહિત 12 ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા અને માર્શલોને બોલાવીને તેમને બહાર કાઢી મૂક્યા. વિજેન્દ્ર ગુપ્તાએ માર્શલ્સને કહ્યું, આદેશનું પાલન કરો અને તરત જ બધા ધારાસભ્યોને બહાર કાઢવામાં આવ્યા.
- Advertisement -
AAP ધારાસભ્યોના ધરણા શરૂ
આ ધારાસભ્યો વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેમના હાથમાં આંબેડકરનો ફોટો પણ છે. જે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે તેમાં સોમદત્ત, જન્નૈલ સિંહ, મુકેશ અહલાવત અને ચૌધરી ઝુબૈરનો સમાવેશ થાય છે. વિરોધ પ્રદર્શન દરમિયાન આતિશીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, મુખ્યમંત્રી કાર્યાલયમાં, વિધાનસભામાં અને કાર્યકરોના કાર્યાલયોમા ભાજપે આંબેડકરનો ફોટો બદલીને મોદીનો ફોટો લગાવી દીધો છે. દરેક જગ્યાએ ચિત્ર બદલાઈ ગયું છે, તમે ઘમંડી બની ગયા છો. શું તમને લાગે છે કે નરેન્દ્ર મોદી આંબેડકરજીનું સ્થાન લેશે? અમે એવું નહીં થવા દઈએ.
નોંધનિય છે કે, ભાજપ CAG રિપોર્ટ રજૂ કરવાના હોવાથી હોબાળો થશે તેવું પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું. આ પહેલા પણ AAPએ ભગતસિંહ અને આંબેડકરના ફોટાનો મુદ્દો ઉઠાવીને સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. AAPના આરોપો પર ભાજપનું કહેવું છે કે, ચિત્ર હટાવવામાં આવ્યું નથી પરંતુ બીજી જગ્યાએ મૂકવામાં આવ્યું છે. ભાજપના દાવાઓનો જવાબ આપતા AAP એ કહ્યું કે, ટીકાનો સામનો કર્યા પછી ઉતાવળમાં દૂર કરવામાં આવેલી તસવીર બીજી દિવાલો પર લગાવવામાં આવી છે.