ખાલિસ્તાન સાથે સંકળાયેલા શીખ અલગતાવાદીઓને પણ ખતમ કરવાની ભારતની યોજના: પાક.નો દાવો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
- Advertisement -
વર્ષો સુધી ઘરઆંગણે આતંકવાદનો સામનો કરી રહેલું ભારત હવે આતંકીઓને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારત હવે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકથી આગળ વધીને વિદેશમાં દુશ્મનોનો સફાયો કરી રહ્યું છે. ભારતમાં આતંકી હુમલા કરીને અથવા આતંકીઓને મદદ કરી પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલા ’દુશ્મનો’નો ખાતમો બોલાવાઈ રહ્યો છે. આ અંગે આંતરરાષ્ટ્રીય મીડિયા ધ ગાર્ડિયનના અહેવાલથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારત સરકારે પાકિસ્તાનમાં આતંકીઓની હત્યા કરવાનો આદેશ આપ્યો છે. જોકે, ભારત સરકારે આ અહેવાલોને ફગાવી દીધા છે.
બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયન મુજબ ભાજર સરકારે વિદેશી ધરતી પર રહેતા આતંકીઓને ખતમ કરવાની વ્યાપક રણનીતિ બનાવી છે અને તે રણનીતિના ભાગરૂપે પાકિસ્તાનમાં એક ગુપ્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ગુપ્તચર અધિકારીઓનો દાવો છે કે વર્ષ 2020થી અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં 20 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
ધ ગાર્ડિયને તેના રિપોર્ટમાં ભારતીય અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓને ટાંકીને મોટો દાવો કર્યો છે. રિપોર્ટમાં બંને દેશોના ગુપ્તચર અધિકારીઓની મુલાકાતો અને પાકિસ્તાની તપાસકારો તરફથી શેર કરવામાં આવેલા દસ્તાવેજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધ ગાર્ડિયનના તાજા દાવામાં જણાવાયું છે કે વર્ષ 2020 પછીથી ભારતે પાકિસ્તાનમાં ઉપરાછાપરી કાર્યવાહી કરતાં 20 આતંકીઓનો સફાયો કરી નાંખ્યો છે. આ પહેલાં પણ આ હત્યાઓ પાછળ ભારત સંડોવાયલ હોવાના દાવા કરાયા હતા. પરંતુ પહેલી વખત ભારતીય ગુપ્તચર વિભાગના કર્મચારીઓએ પાકિસ્તાનમાં કથિત અભિયાનો પર ચર્ચા કરી છે. બ્રિટિશ અખબારનું કહેવું છે કે પાકિસ્તાનમાં આતંકીઓની હત્યાઓ પાછળ રોની પ્રત્યક્ષ ભૂમિકા હોવા સંબંધિત દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આરોપો પરથી એ પણ જાણવા મળે છે કે ખાલિસ્તાન આંદોલન સાથે સંકળાયેલા શીખ અલગતાવાદીઓને પણ વીણી વીણીને ખતમ કરવાની યોજના તૈયાર કરાઈ છે અને આ ઓપરેશનને પાકિસ્તાન અને પશ્ચિમી દેશોમાં હાથ ધરવામાં આવી રહ્યું છે.
- Advertisement -
પાકિસ્તાની તપાસ અધિકારીઓ મુજબ તેમના દેશમાં માર્યા ગયેલા આતંકીઓ પાછળ મોટાભાગે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)થી સંચાલિત ભારતીય ગુપ્તચર સ્લીપર સેલનો હાથ છે. વર્ષ 2023 પછી આતંકીઓના સફાયામાં અચાનક વધારો આવ્યો છે. પાકિસ્તાની ધરતી પર ટાર્ગેટ કિલિંગ માટે ભારતીય ગુપ્તચરો દ્વારા અભિયાન ચલાવાઈ રહ્યું છે.
દરમિયાન પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગ પાછળ ભારતનો હાથ હોવાના બ્રિટિશ અખબારના અહેવાલને કેન્દ્ર સરકારે ફગાવી દીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ આરોપોને ખોટા અને એન્ટી-ઈન્ડિયા પ્રોપેગેન્ડા ગણાવ્યો. વિદેશ મંત્રી એસ. જયશંકર પહેલાં જ કહી ચૂક્યા છે કે અન્ય દેશોમાં ટાર્ગેટ હત્યાઓ કરવી એ ભારત સરકારની નીતિ નથી.
વિદેશમાંથી આતંકીઓ હુમલો કરે તે પહેલાં જ સફાયો કરવાનું વલણ
ભારતમાં 2019માં પુલવામા હુમલા પછી આતંકી હુમલાઓના સંદર્ભમાં કેન્દ્ર સરકારનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. દેશની બહાર બેઠેલા દુશ્મનો હુમલો કરે અથવા કોઈ ગડબડ પેદા કરે તે પહેલાં જ તેમને નિશાન બનાવવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનું ગુપ્તચર અધિકારીઓને ટાંકીને બ્રિટિશ અખબારના અહેવાલમાં દાવો કરાયો છે.
ભારતીય ગુપ્તચર એજન્સીના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, પુલવામા હુમલા પછી કેન્દ્ર સરકારે દેશની બહાર બેઠેલા દુશ્મનોને હુમલો કરવા અથવા કોઈ મોટી ગડબડ પેદા કરે તે પહેલાં જ નિશાન બનાવવાનો નિર્ણય કર્યો છે. આતંકીઓને હુમલા કરતા રોકી શકાય તેમ નથી, કારણ કે તેમના સુરક્ષિત ઠેકાણા પાકિસ્તાનમાં હતા. તેથી અમારે સોર્સ સુધી પહોંચવું પડયું. આ પ્રકારના ઓપરેશન સરકારમાં ઉચ્ચ સ્તરે મંજૂરીની જરૂર પડે છે. ભારતે ઈઝરાયેલની મોસાદ અને રશિયાની કેજીબી જેવી ગુપ્તચર એજન્સીઓમાંથી પ્રેરણા લીધી છે. આ એજન્સીઓ અંગે કહેવાય છે કે તે પોતાના દુશ્મનોને વિદેશી ધરતી પર જઈને પણ ખતમ કરી દે છે.