સાયલા પાસેથી દારૂ ભરેલો ટ્રક હાઈજેક કરી ચાલકનું અપહરણ કરી રાજકોટની હદમાં ઉઠાવી લાવ્યાનો પૂર્વયોજિત કારસાનો આરોપ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અપહરણકાંડ બાદ દારૂકાંડ
- Advertisement -
ટીમને લીડ કરનાર લેડી PSI ભાવના કડછા હાલ ઉગરી ગયા કે ઉગારી લેવાયા ? ભારે ચર્ચા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ક્રાઇમ બ્રાંચ ફરી એક વખત વિવાદમાં સપડાઇ છે. પોતાની હદ ન હોવા છતાં છેક સાયલા સુધી જઇ દારૂ ભરેલું ટેન્કર રાજકોટ લઇ આવવાની કોશિશ કરી હતી. સોમવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સ્ટાફ પણ દારૂ પકડવા પહોંચી જતાં સનસનીખેજ વિગતો બહાર આવી છે. અમદાવાદથી દારૂ ભરેલી ટ્રક નીકળ્યાની માહિતી મળતા રાજકોટ ક્રાઇમ બ્રાંચના મહિલા પીએસઆઇ ભાવના કડછા અને તેની ટીમના સુભાષ ગોરી, ક્રિપાલસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા અને દેવા ધરજિયા સહિતની ટીમ ખાનગી કારમાં સાયલા પહોંચી ગઇ હતી, નિયત નંબર વાળી ટ્રક નજરે ચડતાં જ રાજકોટની આ ટીમે તેનો પીછો શરૂ કર્યો હતો, ટ્રક સાયલાના આયા ગામ તરફ વળતા પીછો કરી રહેલી રાજકોટ પોલીસની ટીમને દારૂનું કટિંગ થઇ જશે તેવી શંકા ઉઠતાં જ ટ્રકને આંતરી હતી. ટ્રકની તલાશી લેતા અંદરથી 400થી વધુ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ ભરેલી ટ્રક સાયલા પોલીસ સ્ટેશનની હદમાંથી મળતા રાજકોટ પોલીસે સાયલા પોલીસને નિયમાનુસાર જાણ કરવાની હતી પરંતુ ક્રાઇમ બ્રાંચની ટીમનો બદઇરાદો હોવાના કારણે ટ્રકનું ડ્રાઇવર સહિત અપહરણ કર્યું હતું, એક પોલીસમેન ટ્રકમાં બેસી ગયો હતો અને અન્ય સ્ટાફ કારમાં રાજકોટ તરફ દારૂ ભરેલી ટ્રકનું પાઇલોટિંગ કરી રહ્યા હતા.
- Advertisement -
શું હતો સમગ્ર મામલો ?
સુરેન્દ્રનગરના સાયલા હાઈવે પાસે રાજકોટ ક્રાઈમબ્રાંચે વોચ ગોઠવીને દારૂ ભરેલું ક્ધટેન્ટર ઝડપી પાડ્યું હતું. જેમાં તપાસ કરતા રાજકોટ ક્રાઈમબ્રાંચના જ અધિકારીની સંડોવણી ખુલી છે. તેમાં પણ હાલમાં સાયલા પોલીસ અને રાજકોટ ક્રાઈમબ્રાંચ વચ્ચે હદ વિવાદ ચાલી રહ્યો છે. દારૂના ક્ધટેનર આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ સાયલા પહોંચ્યું છે.રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે DCP ક્રાઇમને તપાસ સોંપી છે. ક્ધટેનર ભરીને વિદેશી દારૂ કોણે મંગાવ્યો તે હજુ પણ મોટો સવાલ છે. ક્રાઇમ બ્રાન્ચના 3 DCP સહિત 4 સામે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટીમને લીડ કરનાર PSI ભાવના કડછાની પણ પૂછપરછ કરાશે. સ્ટેટ મોનિટરિંગ સેલે સમગ્ર હકીકત પ્રકાશમાં લાવતા ગુનો દાખલ કરાયો છે. હવે ગમે ત્યારે આ ચારેય પોલીસકર્મીઓની ધરપકડ થઇ શકે તેમ છે.
કોન્સ્ટેબલ દેવા ધરજીયા બુટલેગર સાથે હતો !
અન્ય પોલીસ મથકની હદમાં દારૂ ભરેલો ટ્રક પાડવા (પોલીસની ભાષામાં) ઉઠાવવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચના ચાર હવાલદાર પૈકી ત્રણ ક્રેટા કારમાં હતા ત્યારે દેવા ધરજીયા તેના અંગત મનાતા એવા બુટલેગર સૌરભ ચંદારાણા સાથે ટૂ વ્હિલર (એકસેસ)માં સાથે હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો ચર્ચામાં
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં દારુનો જથ્થો પડ્યો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પોલીસ કોન્સ્ટેબલ ક્રાઇમ બ્રાંચના દેવાભાઇના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં પોલીસની છબી ખરડાતા આ વીડિયો અંગે ચર્ચાનો દોર શરુ થયો છે. મહત્વનું છે કે રાજકોટ ક્રાઇમ બ્રાંચ થોડા સમય પહેલા જ કમિશન કાંડમાં વગોવાઇ હતી. જેને લઇને પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી હતી . તેમજ પીઆઇ સહિતના સ્ટાફને સસ્પેન્ડ સહિતના પગલા લેવાયા હતા. જે બાદ આખો સ્ટાફ નવો આવ્યો તેમ છતાં હવે આ દારુનુ કનેક્શન ખુલતા ચર્ચાનો મુદ્દો બન્યો છે.


