આપણાં મનમાં વાસ્તુ વગેરેને લગતાં અગણિત પ્રશ્ર્નો ઉદ્દભવે છે, આવાં અનેક સવાલોનાં જવાબ અહીં મળી રહે છે…
પ્રશ્ર્ન 1 : અમારા ઘર પાસે મધમાખીએ પૂડો (મધપૂડો) બનાવ્યો છે તો તે વાસ્તુ મુજબ શુભ છે?
જવાબ : મધમાખીનો પૂડો એટલે કે મધપૂડો ઘરની આસપાસ થાય તો તે શુભ ઊર્જા છે કે અશુભ તે અંગે ઘણી લોકમાન્યતાઓ છે. આ લેખમાળાની શરૂઆતના અંકોમાં પૃથ્વીની નીચેથી આવતી નકારાત્મક ઊર્જા વિશે આપણે વિગતવાર ચર્ચા કરી હતી. જેમાં પશુ-પંખી પર આ નકારાત્મક ઊર્જાની અસર અને શુભ ઊર્જાને પસંદ કરતાં પ્રાણીઓ અને અશુભ ઊર્જાને પસંદ કરતાં પ્રાણીઓ વિશે પણ વાત કરી હતી.
- Advertisement -
જેવી રીતે ગાય, કૂતરો, ઘોડો, ઘેટું વગેરે પ્રાણીઓ જમીનની સારી ઊર્જાને પસંદ કરે છે. જ્યારે સાપ, બિલાડી, કીડી, ઉધઈ અને મધમાખી જમીનની નેગેટિવ ઊર્જાને પસંદ કરે છે. એક વાત ખાસ યાદ રાખશો, આ પ્રાણીઓ શુભ કે અશુભ નથી પરંતુ તેમની પસંદગી સારી કે ખરાબ ઊર્જા તરફના આકર્ષણની છે. આ જ રીતે મધમાખી પણ જમીનની નકારાત્મક ઊર્જામાં વધુ સાનુકુળ રહે છે, ક્યારેક આવી નકારાત્મક ઊર્જા પણ તેનો મધપૂડો બનાવે તો ત્યાં મધનું વધુ ઉત્પાદન પણ કરી શકે છે, માટે ઘરની આસપાસ મધપૂડો બનાવે તો ત્યાં કોઈ જમીનની ઊર્જાની નકારાત્મક લાઈન હોવાની શક્યતા રહેલ છે.
પ્રશ્ર્ન 2 : ઘરની અંદર બીમારી સતત રહેતી હોય છે અને દવા લેવાનું પ્રમાણ પણ વધારે હોય છે, તો વાસ્તુ મુજબ દવાઓ કઈ દિશામાં રાખવી, જેનાથી તેની સારી અસર બીમારી પર થાય?
જવાબ : જો ઘરની અંદર સતત બીમારી રહેતી હોય તો તે થવાના કારણો સમજવા જોઈએ. કેમકે ફકત દવા સાચી દિશામાં રાખવાથી બીમારી દૂર નહીં થાય. ઘરની અંદર ઉદ્ભવેલા ભૂમિદોષ કે વાસ્તુદોષને લઈ બીમારી થઈ શકે છે અને બધા જ રિપોર્ટ નોર્મલ હોવા છતાં બીમારી ઠીક ન થવી કે કોઈ દવા લાગુ ન પડવી તેવા કિસ્સાઓ પણ અમોએ અનુભવ્યા છે. ઘણાં કિસ્સામાં ભાગ્ય આધિન કર્મપીડા કે ગ્રહદોષ પણ જવાબદાર હોઈ શકે છે.
જમીન દોષને કારણે રહેતી બીમારીના કિસ્સામાં સૂવાની જગ્યા બદલવાથી પણ સારા પરિણામો જોવા મળ્યા છે. અને તે જ દવાની અસર અનેકગણી વધી ગઈ હોય તેવું પણ અનુભવ્યું છે એટલે જો દવા અસર જ ન કરતી હોય તેવું લાગતું હોય તે લોકોએ પોતાની સૂવાની જગ્યા કે બેડની પોઝિશન બદલીને પણ અનુભવ કરી શકાય. ઘણાં લોકો પોતાની બીમારી સાથે જ્યારે ઘરની બહાર રહે છે ત્યારે પણ ઘણું સારૂં લાગતું હોય છે, જે સૂચવે છે કે જગ્યાના પ્રભાવને લઈને બીમારી વધારે તકલીફ આપે છે, એની-વે, વાસ્તુ પ્રમાણે દવા ઘરના ઈશાન ખૂણામાં રાખવી જોઈએ.
જો ઘરના ઈશાન ખૂણામાં પર્યાપ્ત જગ્યા ન હોય તો ઉત્તર દિશામાં દવાઓ રાખી શકાય. આ દિશામાં રાખેલી દવાઓ બીમારીઓમાં રાહત આપવામાં સહાયરૂપ બનશે.
- Advertisement -
ઘણી વખત ડાયાબિટીસ કે બ્લડપ્રેશર જેવી બીમારીઓમાં જીવનભર દવાઓ લેવાની હોય છે તો દવાની સારી અસર થાય અને બીમારી નિયંત્રણમાં રહે તે માટે તેને ઈશાન ખૂણામાં રાખવી.
પ્રશ્ર્ન 3 : અમારી ફેકટરીમાં કામદારોની સમસ્યાઓ કાયમ રહે છે. બધી જ સુવિધા આપવા છતાં તેમની સાથે ઘર્ષણ સતત થયા કરે છે.
જવાબ : આપની આ સમસ્યા થવી ખૂબ જ સ્વાભાવિક બાબત છે. કેમકે આપની ફેકટરીમાં કામદારો માટે રહેવાના બધા રૂમ એટલે કે લેબર રૂમ આપે નૈઋત્ય ખૂણામાં બનાવેલા છે, જે માલિકો માટેની જગ્યા છે જેથી કામદારો પણ માલિક જેવી ઊર્જા મેળવે છે અને નાની-નાની વાતમાં પણ પોતાનું વર્ચસ્વ સ્થાપવાના પ્રયત્ન કરે છે. આપે હાલના લેબર કવાર્ટર નૈઋત્ય ખૂણામાંથી હટાવી અગ્નિ ખૂણામાં કે વાયવ્ય ખૂણામાં ગોઠવશો એટલે થોડા સમયમાં આપની સમસ્યાનું સમાધાન આવી જશે.
આ પ્રકારની સમસ્યાઓ અમે રિેટેઈલ દુકાનમાં અને ઓફિસોમાં પણ ઘણી વખત જોઈ છે. જ્યારે માલિક પોતે નૈઋત્ય ખૂણામાં બેસતાં ન હોય અને સેલ્સમેન કે અન્ય સ્ટાફની બેઠક નૈઋત્ય ખૂણામાં હોય ત્યારે તેઓ માલિક જેવું વર્તન કરતાં હોય છે અને માલિકની વાત ન માનવી અને પોતાની મનમરજી મુજબ કામ કરતા હોય છે. આવા સંજોગોમાં માલિકોએ હંમેશા નૈઋત્ય ખૂણામાં જ મહત્તમ સમય પસાર કરવો જોઈએ.
પ્રશ્ર્ન 4: હું એક નાનું વ્યવસાયિક સાહસ કરી રહ્યો છું પરંતુ સગવડતાના અભાવે ઘરના પાર્કીંગ એરિયામાંથી ઓફિસ ઓપરેટ કરવાની છે, તો આટલી નાની જગ્યામાં વાસ્તુના નિયમો અનુસરી શકાય?
જવાબ : ચોક્કસ નાની જગ્યામાં પણ વાસ્તુના નિયમોને અનુસરી શકાય. આપનું કામ ક્રિએટિવિટી સાથે સંકળાયેલું છે અને આપ પ્રોફેશ્નલ કામ કરો છો, એટલે જગ્યાના નૈઋત્ય ખૂણામાં બેસી કામ કરતી વખતે આપ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને કામ કરી શકો.
આપના કામને અનુરૂપ નિષ્ણાંતની સલાહ લઈને દીવાલના રંગ કરશો, જગ્યા નાની હોવાથી વસ્તુ અસ્ત-વ્યસ્ત ન રાખતાં બધું જ વ્યવસ્થિત ગોઠવીને નકામી બિનજરૂરી વસ્તુઓ નિયમિત નિકાલ કરતાં રહેશો. તમારા કામને અનુરૂપ ઈન્ડોર પ્લાન્ટને ઓફિસમાં ચોક્કસ રાખશો. આ બધા ફેરફારો ચોક્કસપણે ઊર્જાને સંતુલિત કરી આપ માટે સાનુકૂળરૂપ વાતાવરણ બનાવવામાં મદદ થશે.
પ્રશ્ર્ન 5 : મેં એક ઘર રિ-સેલમાં ખરીદ કરેલ છે, પરંતુ તેમાં થોડા વાસ્તુ દોષ છે તેવું મને સમજમાં આવે છે. હું હજુ તે ઘરમાં રહેવા ગયો નથી તો ઉપાય બતાવશો.
જવાબ : સારી બાબત એ છે કે આપ તે ઘરમાં રહેવા ગયા નથી એટલે સિવિલ લેવલના ફેરફારો આપ કરી શકો છો. આપના ડ્રોઈંગનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે ઈશાન ખૂણા અને નૈઋત્ય ખૂણામાં રહેલા ટોયલેટ વાસ્તુ મુજબ યોગ્ય નથી. કદાચ બધા જ વાસ્તુ મુજબના સિવિલ ફેરફારો આપના દ્વારા શક્ય ન હોય તો ઈશાન, ઉત્તર અને નૈઋત્ય ખૂણામાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ ન રહે તેનો ખ્યાલ રાખશો અને તેને ઠીક કરવા માટેના ફેરફાર અવશ્ય કરશો તથા જમીનમાંથી આવતી નકારાત્મક ઊર્જાઓને જમીનની અંદર ગ્રાઉન્ડ કરી અને ઘરની શુભ ઊર્જામાં વધારો થાય તેવા ઉપાય કરવા તેના માટે આપે કોઈ વાસ્તુ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.