7 લાખ મેટ્રિક ટન મીઠું જોખમમાં, અગરિયાઓની સોલર પેનલો ફંગોળાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
કચ્છના નાના રણમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાએ મોટી ચિંતા સર્જી છે. વાવાઝોડા સાથે આવેલા વરસાદે રણમાં રહેલા 7 લાખ મેટ્રિક ટન મીઠા માટે મોટું જોખમ ઊભું કર્યું છે. ખારાઘોડા સોલ્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ હિંગોરભાઈ રબારીના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 7.54 લાખ મેટ્રિક ટન મીઠું ખારાઘોડા ગંજે પહોંચાડવામાં આવ્યું છે. જૂનો સ્ટોક 2.5થી 3 લાખ મેટ્રિક ટન છે. રણમાં હજુ
6.5થી 7 લાખ મેટ્રિક ટન મીઠું પડ્યું છે. વાવાઝોડાને કારણે અગરિયાઓની સોલર પેનલો ફંગોળાઈને દૂર ફેંકાઈ છે. જો વરસાદના કારણે બાકી રહેલું મીઠું રણમાં જ રહી જાય તો મીઠાની મંદીના સમયમાં અગરિયાઓ અને વેપારીઓની સ્થિતિ વધુ કફોડી બની શકે છે. છેલ્લા દોઢ મહિનાથી જેસીબી અને ડમ્પરો દ્વારા રણમાંથી ખારાઘોડા ગંજે મીઠું ખેંચવાની કામગીરી ચાલી રહી હતી.
2013માં આવી જ સ્થિતિમાં 400થી વધુ અગરિયાઓને ટ્રેક્ટરો અને બોટ દ્વારા બચાવવા પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દસાડામાં સૌથી વધુ 24 મિમી, ચોટીલામાં 21 મિમી, મુળીમાં 18 મિમી, લખતરમાં 16 મિમી અને ચુડામાં 13 મિમી વરસાદ નોંધાયો છે.
- Advertisement -
ધ્રાંગધ્રામાં 12 મિમી, વઢવાણમાં 10 મિમી, થાનમાં 8 મિમી, સાયલામાં 6 મિમી અને લીંબડીમાં 2 મિમી વરસાદ પડ્યો છે.



