માંડવી-ઉમરપાડામાં ધોધમાર, સુરતમાં ધીમી ધારે, ભાવનગરમાં ઝરમર વરસાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
- Advertisement -
હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. બીજી તરફ આજે સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યાં છે. ભરઉનાળે દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ હાલ કેરીનો પાક પણ તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે કમોસમી વરસાદથી માઠી બેસી ગઈ છે. માવઠાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા છે કે, હાથમાં આવેલો કોળિયો માવઠાથી છીનવાઇ ન જાય. જ્યારે માંડવી અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં ગરમીમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ બીજી તરફ અસહ્ય બફારા વચ્ચે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ એરંડા અને તુવેરના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ન્યુ વીઆઈપી રોડ, સરદાર એસ્ટેટ, આજવા રોડ સહિત શહેરમાં ઠેકઠેકાણે વરસાદી માહોલને લઈ છૂટાછવાયાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં.
વરસાદી માહોલ વચ્ચે શહેરના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. દેશના ઉત્તર ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ અપ્રોચ કરી રહ્યું છે. પવનની દિશા પણ પશ્ચિમ અને દક્ષિણ તરફથી છે, તેથી ભેજને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદી છાંટા વરસ્યા છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત પવની ઝડપ વધુ હોવાથી દરિયાઇ ભેજ વાતાવરણમાં આવતા આગામી 48 કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સાથે જો પવનની દિશા બદલાય તો વરસાદની શક્યતાઓ ઘટી જશે. અમદાવાદ શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, પરંતુ હાલ પૂરતી વરસાદની કોઈ શક્યતાઓ નથી. ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં મસ્તરામબાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જગાતનાકા, નારી ચોકડી, વરતેજ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હતો.
મહીસાગર જિલ્લામાં 38થી 40 ડિગ્રી તાપમાન છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું હતું. ત્યારે આજે એકાએક વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળાં વાદળો ઘેરાયાં હતાં. સુરત શહેરના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો છે. સુરત સહિત જિલ્લામાં પણ આકાશ વાદળાઓથી ઘેરાયું હતું.
- Advertisement -
જ્યારે સુરત શહેરમાં ભટાર, વેસુ, પાલ સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડ્યો હતો. વાતાવરણમાં પલટાના કારણે ભારે ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયેલા લોકોને ઠંડકનો અહેસાસ થયો છે. જ્યારે વ્યારામાં તો સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા હોય તેમ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પણ ભીના થઇ ગયા છે. તેમજ દાહોદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને અમીછાંટણા થતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે.
વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. કમોસમી વરસાદથી વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ છે.
આજે વહેલી સવારથી નવસારી શહેર અને જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આપતા ઠંડકનો અનુભવ થયો હતો. સાથે જ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. વાંસદા તાલુકામાં આવેલા ઉપસળ વાંસદા ટાઉન સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નવસારી શહેરમાં પણ અમીછાંટણા જોવા મળ્યા હતા. કેરી અને ચીકુના તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે.
કેરીનો સ્વાદ વધુ બગડવાની શક્યતા
હાલ કેરીનો પાક લગભગ તૈયાર થવાની તૈયારીમાં છે. એવા સમયે જો વરસાદ આવે તો કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતા છે. માર્ચ મહિનામાં પણ એક વખત માવઠું આવ્યું હતું અને તેને કારણે આંબા પર જે મોર લાગવા જોઈએ તે સારી રીતે લાગી શક્યા ન હતા. વરસાદ આવે તો આ વખતે કેરીનો સ્વાદ વધુ બગડવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં કેરીનું મબલક ઉત્પાદન થાય છે. આ વિસ્તારની કેસર સહિતની કેરીઓ ખૂબ જ મીઠાશવાળી હોય છે. તેના કારણે કેરીના રસિયાઓ ખૂબ જ આતુરતાથી બજારમાં તેના આગમનની રાહ જોતા હોય છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં આવતા એકાએક પલટાને કારણે કેરીના રસિયાઓનો સ્વાદ પણ બગડતો જાય છે. છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. જ્યારે આજે આવેલા વાતાવરણના પલટાથી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.