સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શૈક્ષણિક વર્ષ 2022-23નું એકેડેમિક કેલેન્ડર પણ જાહેર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મળતી કોલેજોના પ્રિન્સિપાલની બેઠક પણ હવે વર્ચ્યુઅલ યોજી સમય, શક્તિ, નાણાં બચાવાશે
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે સંલગ્ન કોલેજોના પ્રિન્સિપાલની બેઠક મળી હતી જેમાં જુદા જુદા શૈક્ષણિક, પરીક્ષાલક્ષી, વિદ્યાર્થીલક્ષી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ શૈક્ષણિક વર્ષ 2022-23નું એકેડેમિક કેલેન્ડર પણ જાહેર કર્યું હતું.
આ બેઠકમાં યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે SU EXAM SUGAM નામની એપ્લિકેશન બનાવવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને પરિણામ, હોલ ટિકિટ, ટાઈમટેબલ, પર્સનલ ડીટેલ, પરીક્ષા ફોર્મ, રિએસેસમેન્ટની વિગત, જૂના પ્રશ્ર્નપત્રો તથા ઈ-લાઇબ્રેરી જેવી સુવિધાઓ એ જ જગ્યાએ ઉપલબ્ધ બનશે. આ એપ્લિકેશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટમાં ‘સ્ટુડન્ટ’ ટેગમાં જવાથી પણ માહિતી મળશે. આ ઉપરાંત હાલ યુનિવર્સિટીમાં જ્યારે જ્યારે સંલગ્ન કોલેજોના આચાર્યોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સમય, શક્તિ અને નાણાંનો વધુ ઉપયોગ થાય છે તેના બદલે હવે જે-તે કોલેજોમાંથી જ વર્ચ્યુઅલ રીતે બેઠક યોજી સમય, શક્તિ અને નાણાંનો બચાવ કરાશે.
- Advertisement -
મંગળવારે યુનિવર્સિટીમાં મળેલી આચાર્યોની બેઠકમાં વિદ્યાર્થીઓ માઈગ્રેશન, રેન્ક સર્ટિફિકેટ, પ્રોવિઝનલ સર્ટિફિકેટ, ડિગ્રી સર્ટિફિકેટ, પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ, પરિણામ, માર્કશીટ સુધારવી, ડુપ્લિકેટ માર્કશીટ સહિતની અરજી ઓનલાઈન કરી શકે તેવી વ્યવસ્થા કરવા પણ ચર્ચા કરાઈ હતી. કુલપતિએ જાહેર કરેલા એકેડેમિક કેલેન્ડરમાં 16 જૂનથી 5 ઓક્ટોબર સુધી 90 દિવસનું પ્રથમ સત્ર રહેશે.
20 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશન રહેશે. બીજું સત્ર 10 ઓક્ટોબરથી 25 ફેબ્રુઆરી સુધીનું રહેશે. 1 મેથી 14 જૂન ઉનાળુ વેકેશન રહેશે. યુનિવર્સિટીમાં મળેલી પ્રિન્સિપાલની બેઠકમાં આગામી પરીક્ષાઓના સુચારું આયોજન સહિતના મુદ્દે સૂચનાઓ આપી હતી. આચાર્યોએ પણ બેઠક દરમિયાન જુદા જુદા સૂચનો કર્યા હતા.