મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ફ્લેગ ઓફ આપી; ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું રજવાડું અર્પણ કરવાનું યોગદાન યાદ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે પાલીતાણા વિધાનસભા વિસ્તારમાં ભવ્ય ’સરદાર 150 યુનિટી માર્ચ’ પદયાત્રા યોજાઈ હતી. ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા સહિતના મહાનુભાવોએ ઠાડચ પ્રાથમિક શાળા ખાતેથી આ પદયાત્રાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રી વેકરીયાએ જણાવ્યું કે, સરદાર સાહેબના પ્રયાસોથી જ ભારત એક અખંડ રાષ્ટ્ર બન્યું છે. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, સ્વતંત્ર ભારતના નિર્માણ માટે સૌ પ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ રજવાડું અર્પણ કર્યું હતું. આ 12 કિલોમીટરની પદયાત્રા ઠાડચ, મેઢા, લાપાળીયા, નાની રાજસ્થળી થઈને શેંત્રુજી ડેમે પૂર્ણ થઈ હતી, જ્યાં ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.



