વરણા ગામના યુવાનો સમાજસેવાના ભાગરૂપે બેન્ડ પાર્ટી ચલાવશે; કમાણીનો એક-એક પૈસો જળસંચય માટે વપરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જળસંચયના કાર્યને વધુ ગતિ આપવા અને લોકભાગીદારી વધારવાના ઉમદા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા “ગીરગંગા બેન્ડ પાર્ટી”નું ગઠન કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પાટીલ સાહેબે આ નવા વિચારને બિરદાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વરણા ગામના યુવા-ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરોએ સમાજસેવાની ભાવનાથી પ્રેરાઈને આ બેન્ડ પાર્ટી ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ બેન્ડ પાર્ટી દ્વારા થનારી આવકનો એક-એક પૈસો જળસંચયના કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવશે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી જળસંચય માટે વિવિધ અભિયાનો ચલાવી રહ્યું છે, જેમાં ચેકડેમ રિપેરિંગ, નવા ચેકડેમ બનાવવા, બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી અને સોર્સ ખાડા વગેરે જેવા કાર્યોનો સમાવેશ થાય છે. આ વિરાટ કાર્ય માટે મોટા પ્રમાણમાં આર્થિક અનુદાનની જરૂર પડે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા અને જળસંચયના કાર્યમાં વધુ ગતિ લાવવા માટે ટ્રસ્ટે આત્મનિર્ભરતાના ભાગરૂપે આ બેન્ડ પાર્ટી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
- Advertisement -
વરણા ગામના સર્વ ચેતનભાઇ કોઠીયા, જયસુખભાઈ કોઠીયા, સંજયભાઈ સંધાણી, સંદીપભાઈ કોઠીયા, હાર્દિકભાઈ યાંગાણી, કમલેશભાઈ સંઘાણી જેવા યુવાનો, જેઓ વ્યવસાય અર્થે રાજકોટ સ્થાયી થયા છે, તેમણે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા સમક્ષ આ બેન્ડ પાર્ટી શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ યુવાનો પોતાના ધંધા-રોજગાર અને નોકરીઓમાં વ્યસ્ત હોવા છતાં, માત્ર જળસંચય અને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે સ્વૈચ્છિક રીતે બેન્ડ માસ્ટર તરીકે આ કાર્યમાં જોડાયા છે. એટલું જ નહીં, બેન્ડ પાર્ટી માટેના સાધનોનો ખર્ચ પણ તેમણે સ્વયં ભોગવ્યો છે.
ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ લોકોને પોતાના નાના-મોટા સારા પ્રસંગોએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની બેન્ડ પાર્ટીને બુક કરાવવા અપીલ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, આનાથી પરિવારના પ્રસંગો વધુ ભવ્ય બનશે અને સાથે જ જળસંચયના પુણ્ય કાર્યમાં પણ યોગદાન આપી શકાશે. આ બેન્ડ પાર્ટીની સેવાનો લાભ લેવા અને નવી પેઢી માટે પાણી બચાવવા માટે જાગૃતિ લાવવાના ઉદાત્ત હેતુથી વધુ માહિતી માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના મોબાઇલ નંબર 94096 92693 અથવા 94084 14568 પર સંપર્ક કરવા જણાવાયું છે. આ પહેલ સમાજમાં જનભાગીદારી વધારીને પાણીના પ્રશ્નને હલ કરવા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.