કુતિયાણા-રાણાવાવમાં મંડાયા કેસરિયા રંગ-માંડવીયાએ પ્રજાજનોને વિકાસનું વચન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ કુતિયાણા અને રાણાવાવમાં ભાજપના પ્રચાર માટે વ્યાપક પ્રવાસ કર્યો. નગરપાલિકા ચૂંટણી પૂર્વે પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રજાજનો સાથે સીધો સંપર્ક સાધી, તેમણે ભાજપના વિઝન અને વિકાસ કાર્યક્રમો પર ભાર મૂક્યો.
કુતિયાણામાં પહોંચતા જ ડો.માંડવીયાનું ભવ્ય સ્વાગત થયું. શહેર ભાજપ પ્રમુખ માલદેભાઈ ઓડેદરા અને પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ તેમનું સન્માન કર્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા. ખાસ કરીને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. રોડ શો દરમિયાન વેપારીઓ અને સ્થાનિક પ્રજાજનો સાથે સીધો સંવાદ કરી, માંડવીયાએ જણાવ્યું કે “ભાજપના નગરપાલિકા પદાધિકારીઓને હું સાંસદ અને ધારાસભ્ય તરીકે સંપૂર્ણ સહયોગ આપીશ. વિકાસલક્ષી કોઈપણ કામ માટે કાર્યકર્તાઓ મારો સીધો સંપર્ક કરી શકે.” તેમણે દાવો કર્યો કે “કુતિયાણા અને રાણાવાવમાં ભાજપ ભવ્ય જીત મેળવી નગરપાલિકામાં ફરીથી શાસન સંભાળશે.” કુતિયાણાથી રાણાવાવ જતા તેમણે વિશાળ કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું. મુખ્ય વક્તા તરીકે બાબુભાઈ બોખીરીયા અને અર્જુનભાઈ મોઢવાડિયા હાજર રહ્યા. ડો. માંડવીયાએ સમાપન ભાષણમાં જણાવ્યું કે “માર્ચથી રાણાવાવ અને કુતિયાણામાં મહત્ત્વના વિકાસ કામો શરૂ થશે. ભાજપ માટે નગરપાલિકાની જીત ખૂબ જ જરૂરી છે, જેથી રાજય અને કેન્દ્ર સરકારની યોજનાઓનું ફળ જનતાને સીધું મળી શકે.” ચૂંટણી વ્યૂહરચના અંગે જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણીએ માઇક્રો પ્લાનિંગ અને બુથ મેનેજમેન્ટ પર ખાસ તકોરી આપી. કાર્યક્રમમાં યુવા મોરચા અને મહિલા મોરચાના કાર્યકર્તાઓની પણ ભવ્ય હાજરી રહી.