ખાસ-ખબર ન્યૂઝ મોરબી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 21મી નવેમ્બર, શુક્રવારના રોજ મોરબીની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સનાળા ગામ પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિર્મિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘કમલમ કાર્યાલય’નું ઉદ્ઘાટન કરશે.
- Advertisement -
આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ પણ યોજવામાં આવ્યો છે. અમિત શાહની હાજરીને કારણે મોરબી જિલ્લા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે જિલ્લા ભાજપ દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેના ભાગરૂપે, શનિવારે બપોરે મોરબીના રવાપર ગામ પાસે આવેલા ઉમા હોલ ખાતે જિલ્લા ભાજપની એક મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનને પણ સૌએ સાથે મળીને સાંભળ્યું હતું. આ પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. ઋત્વિજભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



