વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની આર્થિક ગતિ અને રોજગારી વધારનારું બજેટ; ખેડૂત, યુવા અને મહિલાઓ માટે આશાસ્પદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ-68 વિધાનસભાના ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલા વચગાળાના કેન્દ્રીય બજેટ 2026-27ને ’સર્વસમાવેશક અને સર્વસ્પર્શી’ ગણાવીને આવકારવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ બજેટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ’વિકસિત ભારત-2047’ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું છે. છેલ્લા દસ વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં આવેલા અભૂતપૂર્વ પરિવર્તનને આ બજેટ નવી ઊંચાઈઓ પર લઈ જશે.
ધારાસભ્ય ઉદય કાનગડે બજેટની મુખ્ય વિશેષતાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, રેલવે, રસ્તા અને જળમાર્ગો જેવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટાપાયે મૂડીનિવેશ થવાથી દેશની આર્થિક ગતિ તેજ થશે અને લાખો નવી રોજગારીની તકો ઊભી થશે. ખાસ કરીને સમર્પિત ફ્રેઈટ કોરિડોર અને હાઈ-સ્પીડ રેલ કોરિડોર જેવી યોજનાઓ ભારતના પરિવહન ક્ષેત્રને આધુનિક બનાવશે. આ ઉપરાંત, ટાયર-2 અને ટાયર-3 શહેરોના સર્વાંગી વિકાસ માટેની જોગવાઈઓ પ્રાદેશિક સંતુલન જાળવવામાં મદદરૂપ થશે.
બજેટમાં ખેડૂતો માટે ડિજિટલ સહાય અને આધુનિક ટેકનોલોજી દ્વારા ખેતીને વધુ નફાકારક બનાવવાનો સંકલ્પ દેખાય છે. નાના અને મધ્યમ ઉદ્યોગો (ખજખઊ) માટે લોન સુવિધા અને ગ્રોથ ફંડ જેવી યોજનાઓ ’મેક ઇન ઇન્ડિયા’ અને ’આત્મનિર્ભર ભારત’ અભિયાનને વધુ વેગ આપશે. ધારાસભ્યએ ઉમેર્યું કે, આ બજેટમાં ગતિશીલ અર્થતંત્ર, સશક્ત નાગરિક અને સર્વાંગી વિકાસનો ત્રિવેણી સંગમ થયો છે, જે નાગરિકોની આકાંક્ષાઓ પૂર્ણ કરી દેશની સમૃદ્ધિના માર્ગમાં સૌને ભાગીદાર બનાવશે.



