ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતીય જનતા પાર્ટી દ્વારા ભૂતકાળમાં ચૂંટણીલક્ષી લોભામણી જાહેરાતો કરીને ગુજરાતની પ્રજાને એક આશા આપીને એ આશાઓ તોડવાનું કામ ભાજપની સરકારે કરેલુ કારણ કે રાજ્ય સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતની કોઈ પણ સેલ્ફ ફાયનાન્સ શાળામાં 15000-25000ની સ્લેબ મુજબ ફી લેવામાં આવશે પણ ત્યાર પછી આ વાત માત્ર કાગળ ઉપર રહી હતી, ત્યારબાદ સેલ્ફ ફાયનાન્સ એસોસિએશન દ્વારા ભારતીય જનતા પાર્ટીને ફંડમાં મોટા ફીગર આપી ગુજરાતની પ્રજાને લૂંટવાનો પરવાનો મેળવી લીધો?
- Advertisement -
આ અંગે એન.એસ.યુ.આઈ. પ્રમુખે જણાવ્યું કે જિલ્લા શિક્ષણાધિકારી તરીકે પ્રથમ અને નૈતિક જવાબદારી થાય છે કે સૌરાષ્ટ્ર ઝોનની એફ.આર.સી. (ફ્રી રેગ્યુલર કમિટી) હાલમાં કાર્યરત ન હોય તો આપની પ્રથમ ફરજ બને છે કે નવા સભ્યોની નિમણુંક કરીને જે શાળાઓ વાલીઓને ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે તેના ઉપર અંકુશ લાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
માત્ર કાગળ ઉપર ચાલતી એફ.આર.સી. કમિટીએ આજ દિન સુધી સૌરાષ્ટ્રની એક પણ પ્રાઈવેટ શાળામાં કડક કાયદાકીય કાર્યવાહી અનુસાર પગલાં લેવામાં આવ્યા હોય તેવો એક પણ દાખલો અમારા ધ્યાને આવેલો નથી. કચેરી દ્વારા કોઈ દિવસ સ્કૂલોમાં જઈને આ મુદ્દે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હોય તો અમને જણાવો, અન્યથા આગામી સમયમાં આવી શાળાઓ પર જઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે જઈને મીડિયા સાથે હલ્લાબોલ કરવામાં આવશે.
આ સાથે હાલની પરિસ્થિતિમાં ચાંદીપુરા વાઈરસનું જોખમ પણ વધ્યું છે જેમાં બાળકો જ સૌથી વધુ ભોગ બને છે ત્યારે સાવચેતીના પગલાં લેવામાં આવે અને એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે, જરૂર જણાય ત્યાં આરોગ્ય વિભાગને સાથે રાખી બાળકોના આરોગ્યની કાળજી લેવામાં આવે જેથી શાળામાં કોઈ બાળકો સંક્રમિત ન થાય એવી પણ આ તકે રજૂઆત કરવામાં આવી હતી. આમ ફી મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીની સામે બંગડીઓ ફેંકી વિરોધ કરાયો હતો.