મેમાં સાત ટકા રહ્યા બાદ દેશમાં બેરોજગારીનો આંક વિતેલા જૂનમાં વધી 9.20 ટકા રહ્યો છે. ગયા મહિને બેરોજગારીનો આંક આઠ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો. ગયા વર્ષના જૂનમાં આ આંક 8.50 રહ્યો હતો એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના ડેટા જણાવે છે. પુરુષોની સરખામણીએ મહિલા બેરોજગારની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
કન્ઝયૂમર પિરામિડસ હાઉસહોલ્ડ સર્વે જે સેન્ટર સમયાંતરે હાથ ધરે છે તેના આધારે બેરોજગારીના ડેટા મેળવવામાં આવ્યા છે. રોજગાર મેળવવા ઈચ્છતા હોય પરંતુ રોજગાર ધરાવતા ન હોય તેવા કર્મચારીબળને બેરોજગાર તરીકે ગણવામાં આવે છે.
- Advertisement -
એકંદર બેરોજગારોમાં મહિલા બેરોજગારની ટકાવારી 18.50 ટકા હતી જે ગયા વર્ષના જૂનમાં 15.10 ટકા જોવા મળી હતી. પુરુષોમાં બેરોજગારીની ટકાવારી 7.80 ટકા રહી હતી જે 2023ના જૂનમાં 7.70 ટકા હતી.
ગ્રામ વિસ્તારમાં બેરોજગારીનો આંક સતત ઊંચો જોવા મળ્યો છે. ગયા વર્ષના જૂનમાં 8.80 ટકાની સરખામણીએ વર્તમાન વર્ષના જૂનમાં ગ્રામ્ય બેરોજગારીનો આંક 9.30 ટકા રહ્યો હતો. જે મેમાં 6.30 ટકા જોવા મળ્યો હોવાનંર પણ સેન્ટરના આંકડા જણાવે છે. ગ્રામ્ય વિસ્તારમાં પુરુષ બેરોજગારોની સંખ્યા 8.20 ટકા જ્યારે મહિલાઓમાં આ આંક 17.10 ટકા રહ્યો છે.
શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો આંક જે મેમાં 8.60 ટકા હતો તે જૂનમાં સાધારણ વધી 8.90 ટકા રહ્યો છે. શહેરી વિસ્તારોમાં મહિલા બેરોજગારની ટકાવારી વધી 21.36 ટકા રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
- Advertisement -
ઊંચા લેબર પાર્ટિસિપેશન રેટ (એલપીઆર) વચ્ચે બેરોજગારીના દરમાં વધારો જોવા મળી રહ્યો છે. જે લોકો કામ કરે છે અથવા કામ કરવા ઈચ્છે છે અને કામ કરવાની વય ધરાવતા (15 વર્ષ કે તેથી વધુ) લોકોમાંથી રોજગાર શોધતા હોય તેને એલપીઆર કહેવામાં આવે છે. એલપીઆર સાધારણ વધી 41.40 ટકા રહ્યો છે. જે 2023 ના જૂનમાં 39.90 ટકા રહ્યો હતો.