ILO-IHDનો નવો રિપોર્ટ જાહેર
કેટલાક રાજ્યોમાં રોજગારની સ્થિતિ ખૂબ જ દયનીય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
વૈશ્વિક આર્થિક મંદિને પગલે દુનિયાભરમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે ત્યારે ભારત દેશ પણ તેમાંથી બાકાત નથી. દેશમાં બેરોજગારીની સમસ્યા મોટી છે અને તે દિવસેને દિવસે વધી રહી છે. કોવિડ મહામારી પછી દેશમાં બેરોજગારી વધી છે અને અનેક કંપનીઓ મોટા પ્રમાણમાં છટ્ટણીઓ કરી રહી છે ત્યારે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન અને ઈન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન ડેવલપમેન્ટ દ્વારા સંયુક્ત રીતે ઈન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 જાહેર કર્યો છે જેમાં ભારતમાં બેરોજગારોમાં લગભગ 83 ટકા જેટલા તો માત્ર યુવાનો જ છે. આમાં પણ મોટાભાગના યુવાનો શિક્ષિત છે.
આ રિપોર્ટમાં એવું પણ બહાર આવ્યું છે કે દેશના કુલ બેરોજગાર યુવાનોમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા 2000ની સરખામણીએ હવે બમણી થઈ ગઈ છે. વર્ષ 2000માં શિક્ષિત યુવાનો બેરોજગારોની સંખ્યા કુલ યુવા બેરોજગારના 35.2 ટકા હતી. વર્ષ 2022માં તે વધીને 65.7 ટકા થઈ ગઈ છે. આમાં માત્ર એવા જ શિક્ષિત યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે ઓછામાં ઓછું એસએસસી સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. રિપોર્ટમાં 2019થી નિયમિત વર્કર અને કરાર આધારિત વર્કરની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
જ્યારે અસસ્કિલ્ડ લેબર ફોર્સમાં પણ કેઝ્યુઅલ વર્કરોને 2022માં યોગ્ય લઘુત્તમ વેતન મળ્યું નથી. કેટલાક રાજ્યોમાં રોજગારની સ્થિતિ ખૂબ જ દયનીય છે. જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. ભારત માટે હાલ ઘણો મુશ્કેલ સમય છે. દેશની લગભગ 27 ટકા વસ્તી યુવાન છે, પરંતુ આ વસ્તીનો મોટો હિસ્સો બેરોજગાર છે.