કર ભારણ વગર બજેટમાં અનેક ગણા વિકાસ કાર્યોની જોગવાઈ: કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા
ફટાણા ગામે સેવા સેતુના કાર્યક્રમમાં 3000 લોકોએ ઘર આંગણે સરકારી સેવા મેળવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોરબંદર તાલુકાના મજીવાણા ગામ ખાતે પીજીવીસીએલની નવી પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયનાં કેન્દ્રિય મંત્રી અને પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ડો.મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ફટાણા ખાતે નવી પેટા વિભાગીય કચેરીના લોકાર્પણ, સેવાસેતુ કાર્યક્રમ અને મેડિકલ ચેકઅપ કેમ્પ સમારોહમાં કેન્દ્રિય મંત્રી અને પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન બજેટમાં સતત લોક કલ્યાણના કામોનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉની સરકારોની તિજોરીના બાકોરા હતા તે આ સરકારે બંધ કરીને પારદર્શક લોક વહીવટ અને વિકાસની રાજનીતિ રૂપે લોકોના કલ્યાણની કર્તવ્યભાવના સાથે આ સરકારે કર ભારણ વગર અવિરત વિકાસના કાર્યો કર્યા છે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વધુમાં કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગ્રામ્ય વિસ્તારમાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્યના આ વિકાસ કાર્યોનો લાભ ગામડાના છેવાડાના નાગરિક સુધી પહોંચ્યો છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે ફટાણા ગામના સેવા સેતુમાં આસપાસના ગામોના 3000 લોકોએ લાભ લીધો છે. નાનકડા કામ માટે લોકોને તાલુકા કે જિલ્લા કક્ષાએ જવું પડતું આજે આ સેવા સેતુને લીધે ગામમાં જ સરકારી સેવા લોકોને મળી છે. મેડિકલ કેમ્પમાં 400 દર્દીઓએ લાભ લીધો છે અને અહીં ફાર્મસી દ્વારા જ દર્દીઓને દવા આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ પોરબંદર જિલ્લા વહીવટી તંત્રની ટીમને આ સેવા કાર્યના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજોના કામો ચાલુ છે તેની મુલાકાત લેવાનો ઉપક્રમ છે. પોરબંદર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના લોકોને લાભ મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને ગામના આંગણે જ સરકારી સેવાઓ મળી અને નવી વીજ કચેરી મજીવાણામાં લોકાર્પિત થઈ તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
મંત્રી ઋષિકેશભાઈ પટેલે દરિયાઈ વિસ્તારોમાં આવતી કુદરતી આફતોમાં લોકોની સેવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું કે રાજ્યના કોસ્ટલ વિસ્તારમાં 50 કિ.મી એરિયામાં વીજળીનો સાતત્યપૂર્ણ જથ્થો જળવાઈ રહે અને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે અંડર ગ્રાઉત્રડ વીજ માળખું ઊભું કરવામાં આવશે.