દલિત, આદિવાસી, SEBC પ્રોફેસરને અન્યાય થતો હોવાની વાત સાચી ઠરી
વિધાનસભા સત્રમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાલિયાવાડી મુદ્દે ધારાસભ્યોએ સરકારને ઘેરી
- Advertisement -
એકેડેમિક કાઉન્સિલમાં SC,ST,OBCની 16માંથી 15 જગ્યા ખાલી, એકેડેમિક કાઉન્સિલ રચાઇ ત્યારથી અનામતની જગ્યા ભરાઈ નથી!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ બનેલા ઉત્પલ જોશી મૂળ સંઘ સાથે ઘરોબો ધરાવે છે અને સવર્ણ પણ છે. તેઓએ કુલપતિ બન્યા બાદ ધડાધડ દલિત, ઓબીસી, એસઈબીસી, આદિવાસી પ્રોફેસરને કાઢી બ્રાહ્મણ, પટેલ, જૈન વાણીયા પ્રોફેસરને ગોઠવી દીધા છે એટલું જ નહીં કુલપતિ ઉત્પલ જોશીએ રાતોરાત સંઘના કાર્યકરોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘૂસાડવા લાગ્યા છે. લાગતાવળગતાને સારા-સારા હોદ્દાની લ્હાણી કરવામાં આવે છે. દલિત, આદિવાસી અને એસઈબીસી પ્રોફેસરને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હળાહળ અન્યાય થતો હોવાના ‘ખાસ-ખબર’ના અહેવાલના પડઘા વિધાનસભામાં પડ્યા છે. વિધાનસભા સત્રમાં રાજ્યની એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાલિયાવાડી મુદ્દે ધારાસભ્યોએ સરકારને ઘેરી છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપર વિધાનસભામાં કડક સવાલો ઉઠ્યા છે. રાજ્ય સરકાર ‘શૈક્ષણિક વિકાસ’ના દાવા કરતી હોય ત્યારે જ યુનિવર્સિટીની બેદરકારી ખુલ્લી પડી છે. આશરે દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે છતાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં 12 અને એકેડેમિક કાઉન્સિલમાં 45 સભ્યની ખાલી બેઠકો આજ સુધી ભરાઈ નથી. આ બેઠકો ખાલી હોવાને કારણે નીતિ-નિર્ણયો અટવાયા છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતો સીધા અસરગ્રસ્ત બન્યા છે. ખાસ કરીને જઈ, જઝ અને ઘઇઈ વર્ગ માટેની 16માંથી 15 બેઠકો ખાલી હોવી, સામાજિક ન્યાય પ્રત્યે યુનિવર્સિટીની અસંવેદનશીલતા દર્શાવે છે. અનામત વર્ગોનું પ્રતિનિધિત્વ જ ખાલી રાખવું એ સરકારના ‘સર્વસમાવેશી વિકાસ’ના દાવા ખોટા પાડે છે.
ધારાસભ્ય દિલીપ ઠાકોરે સવાલ કર્યો હતો કે, તા. 31-07-2025ની સ્થિતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલમાં નિયમોનુસાર જઈ, જઝ, ઘઇઈના અધ્યાપકોની કેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે? મંજૂર જગ્યાઓ પૈકી ઉક્ત કેટેગરીવાર કેટલી જગ્યાઓ કેટલા સમયથી ખાલી છે, અને ક્યારે ભરાશે? આ અંગે સરકારનો જવાબ હતો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, એન.ટી.-ડી.એન.ટી.ની કુલ-16 જગ્યાઓ મંજૂર કરાઈ છે. જેમાંથી હાલના તબક્કે 01 જગ્યા ભરાયેલી છે અને 15 જગ્યાઓ તા.02/12/2024થી એટલે કે એકેડેમિક કાઉન્સિલની રચના થઇ ત્યારથી ખાલી છે. ખાલી જગ્યાઓ સત્વરે ભરાશે.
ધારાસભ્ય મેવાણીએ પણ સવાલ કર્યો હતો કે, તા. 31/07/2025ની સ્થિતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળની બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડેમિક કાઉન્સિલનું સંવર્ગવાર મંજૂર મહેકમ કેટલું છે? જેમાં સરકારનો જવાબ હતો કે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કુલ-18 સભ્ય, એકેડેમિક કાઉન્સિલમાં કુલ-118 સભ્ય છે. વધુમાં પ્રશ્ર્ન કરાયો હતો કે, ઉક્ત સ્થિતિએ ઉક્ત મંજૂર મહેકમ પૈકી કેટલી જગ્યાઓ કેટલા સમયથી ખાલી છે? જગ્યાઓ ખાલી રહેવાના કારણો શા છે, અને ક્યાં સુધીમાં ભરવામાં આવશે? જેનો જવાબ સરકારે આપ્યો હતો કે, ઇઘખમાં 8 જગ્યા 04 ફેબ્રુઆરી-24થી ખાલી, 02 જગ્યા 30 જુલાઈ-24થી અને 02 જગ્યા 02 ડિસેમ્બર-24થી ખાલી છે. જ્યારે એકેડમિક કાઉન્સિલમાં 45 જગ્યા 02 ડિસેમ્બર-24થી ખાલી છે. યુનિવર્સિટી ટીચર્સની નિમણૂક અંગેના એડિશનલ ક્રાઇટેરિયા ધ્યાને લેવા માટે સ્ક્રૂટિની કમિટીનો અહેવાલ મળેલ ન હોવાના કારણે જગ્યાઓ ખાલી છે, ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે.
સત્તામંડળની બેઠકો ખાલી રાખીને રાજકીય ગોટાળા માટે ‘ગેરવહીવટનું મેદાન’ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોની અવગણના કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, સરકાર આ મુદ્દાઓ પર કડક કાર્યવાહી કરે છે કે નહીં, કે પછી હંમેશની જેમ આ મુદ્દાઓ ફાઈલોમાં દટાઈ જશે.