રાજકોટ – આયોજન એ સરકારના વહીવટી તંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧ માં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓ જેવીકે, ૧૫% વિવેકાધીન જોગવાઈ, ૫% પ્રોત્સાહક જોગવાઈ, ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર જોગવાઈ, ૧૫% વિવેકાધીન નગરપાલિકા જોગવાઈ હેઠળ ૧૩૪૪.૯૨ લાખના ૪૭૪ કામોના આયોજનો મંજૂર કરવામાં આવ્યા છે.
ચાલુ વર્ષ દરમિયાન ધારાસભ્ય ની ગ્રાંટ હેઠળ રૂ. ૬૦૨.૦૨ લાખના ૧૨૪ કામોના આયોજનને મંજુર કરવામાં આવ્યા છે. જેમાં કોરોનાની મહામારીને પહોંચી વળવા રક્ષણાત્મક પગલા સ્વરૂપે આરોગ્યને લગતા રૂ. ૩૧૭.૨૭ લાખના ૬૭ કામો મંજુર કરવામાં આવ્યા છે. જ્યારે ‘‘આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો (એ.ટી.વી.ટી.)’’ ગ્રાંટ હેઠળ રૂ. ૯૯૫.૨૫ લાખના ૪૨૦ કામોના આયોજનોને અમલીકરણ માટે મંજૂર કરવામાં આવ્યા છે.
- Advertisement -
સંસદસભ્ય રાજકોટની ગ્રાન્ટ હેઠળ રાજકોટ જિલ્લામાં કોરોનાની મહામારીમાં નાગરિકોને જરૂરી સુવિધા સત્વરે મળી રહે તે માટે રૂ. ૧૦૬.૬૧ લાખના આરોગ્યને લગતા સાધનો, રૂ. ૧૨૦.૦૦ લાખના ૦૪ ઓક્સિજન પ્લાન્ટ, રૂ. ૭૩.૩૭ લાખની ૦૭ એમ્બ્યુલન્સ રાજકોટને ફાળવવામાં આવી છે.
આ ઉપરાંત, સંસદસભ્ય પોરબંદરની ગ્રાન્ટ હેઠળ રાજકોટ જિલ્લાને કોરોના મહામારી સમયે જરૂરીયાતોને પહોંચી વળવા માટે ૨૪.૯૯ લાખના આરોગ્યને લગતા સાધનો, રૂ. ૧૫૦.૮૬ લાખની ૭ એમ્બ્યુલન્સો રાજકોટ જિલ્લાની ફાળવવામાં આવી છે, તેમ જિલ્લા આયોજન અધિકારી , રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.