ખાસ-ખબર સંવાદદાતા
સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ હેઠળ વિવિધ સહાય આપવામાં આવી રહી છે અને કિસાન કલ્યાણની વિવિધ યોજના થકી સરકાર હંમેશા ખેડૂતોના પડખે જ ઉભી હોવાના દાવા કરવામાં આવે છે. આ યોજના હેઠળ પાકના સંવર્ધન માટે ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવે છે જેમાં મોરબીમાં ખેતીવાડી વિભાગ દ્વારા ગત વર્ષે 135 મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ રૂ. 67,50,000 ની ખેડૂતોને સહાય આપવામાં આવી છે તથા ચાલુ વર્ષે 260 પાક સંગ્રહ સ્ટ્રક્ચરનો લક્ષ્યાંક રાખી ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે. આ બાબતે મોરબી જીલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે, રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર ખરાબ અસર થાય છે, લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાકનો બગાડ થાય છે. પાક ઉત્પાદન બચાવવા માટે રાજયના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ મળી રહે તે માટે સરકાર દ્વારા આ યોજના અમલી બનાવાઈ છે જે થકી ગોડાઉન મળવાથી પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે અને ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ગુણવતા જળવાઈ રહે અને યોગ્ય સમયે વેચાણ કરવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે અને પરિણામે ખેતી વધુ નફાકારક બને છે. આ યોજના હેઠળ નાના, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ. 75,000 તેમજ અન્ય ખેડૂતને રૂ. 50,000 ની સહાય આપવામાં આવે છે.