ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં છેલ્લા 6 દિવસમાં એક પણ કેસ નોંધાયો નથી. મંગળવારે હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ રહેલા 4 દર્દી કોરોના મુક્ત થયા હતા. જોકે આ સાથે જ નવો કેસ આવતા જ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 3 રહી છે. મહાનગરમાં આજ સુધીમાં કોરોનાના 63708 કેસ નોંધાયા છે અને 63207 લોકો સ્વસ્થ બન્યા છે.
રાજકોટ મનપાએ 23થી 29મે સુધીના ઋતુજન્ય રોગચાળાના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. આ એક અઠવાડિયાના સમયગાળામાં શહેરની અંદર શરદી-ઉધરસના 199, સામાન્ય તાવના 81, ઝાડા-ઊલટીના 101, ટાઈફોડ તાવના 5 અને કમળાના 6 કેસ નોંધાયા હતા. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 9, મેલેરિયાના 6 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે.
મચ્છરજન્ય રોગચાળાને પહોંચી વળવા રાજકોટ મહાનગરપાલિકા પ્રયાસો કરી રહી છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 23થી 29મે દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 18,297 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 156 ઘરમાં ફોગિંગની કામગીરી કરી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગ કરવામાં આવ્યું હતું.