કાલાવડની સબ જુ. ફૂટબોલ ક્વીન ચેમ્પિયન, માસ્ટર એફસી રનર-અપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોશિએશન રાજકોટ દ્વારા આયોજિત અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોશિએશનના માર્ગદર્શન હેઠળ, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તથા મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સના સહકારથી અંડર 13 અસ્મિતા ગર્લ્સ ફૂટબોલ ડિસ્ટ્રિક્ટ લીગ 2025-26નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
- Advertisement -
એક દિવસીય આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો. ઈનોગ્રેશન સમારંભમાં ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોશિએશનના વાઈસ પ્રેસિડેંટ શ્રી ડી.વી. મહેતા, સિનિયર કોચ સી.જે. ડિસોજા, ગંભીરસિંહ જાડેજા, સિનિયર સિટિઝન ફૂટબોલ તથા ક્રિકેટ ખેલાડીઓ તથા એસોશિએશનના સભ્યો હાજર રહ્યા હતા.
ભાગ લેનાર ટીમો : માસ્ટર એફસી, ગ્રીનવૂડ સ્કૂલ, જીનિયસ સ્કૂલ, નિર્મલા કોનેવેંટ એફસી, માસ્ટર એસએ, એસએનકે સ્કૂલ, એથ્લેસ સ્પોર્ટ્સ અકેડમી અને સબ જુ. ફૂટબોલ ક્વીન કાલાવડ.
પ્લેયર ઓફ ધ મેચ તરીકે યાના પીપળીયા (માસ્ટર એફસી), આલિયા કોચલિયા (નિર્મલા એફસી), મનીષા (માસ્ટર એસએ), દાયા જાંબુચા (ફૂટબોલ ક્વીન કાલાવડ), માનવી વાજા (માસ્ટર એફસી), નીના ડાભી (ફૂટબોલ ક્વીન કાલાવડ) તથા ફાઇનલમાં સંજના મેણીયા (ફૂટબોલ ક્વીન કાલાવડ)ને ટ્રોફી આપવામાં આવી.
ફાઇનલ મુકાબલો માસ્ટર એફસી અને ફૂટબોલ ક્વીન કાલાવડ વચ્ચે રમાયો હતો, જેમાં સંજના મેણીયા અને નીના ડાભીના ગોલથી કાલાવડની ટીમે 2-0થી વિજય હાંસલ કર્યો હતો.
ચેમ્પિયન અને રનર-અપ ટીમોને ટ્રોફી, મેડલ અને રોકડ ઈનામ વિતરણ બી.કે. જાડેજા, મુકેશ સંતોષી, ગંભીરસિંહ જાડેજા, રફેલ ડાભી, સિવરાજસિંહ ચાવડા અને પુનમ પંડિતના હસ્તે કરવામાં આવ્યું.
ટુર્નામેન્ટને સફળ બનાવવા પ્રમુખ ગુણવંતભાઈ દેલાવાળા સહિત એસોશિએશનના અનેક સભ્યોએ જહેમત ઉઠાવી. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહિત બુંદેલા અને અમૃતલાલ બૌરાસીએ કર્યું.
મહિલા ફૂટબોલને પ્રોત્સાહન
અસ્મિતા ગર્લ્સ ડિસ્ટ્રિક્ટ લીગ દ્વારા કિશોરીઓને રમતગમતમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહન મળ્યું છે. ખેલાડીઓએ ટેલેન્ટ સાથે શિસ્તબદ્ધ રમત પ્રદર્શિત કરી હતી. આવનારા સમયમાં આવી ટુર્નામેન્ટ દ્વારા વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે તેવી અપેક્ષા છે.



