સાધુ સમાજનું સંમેલન બન્યું રાજકારણ અને ગંદી રમતનો અખાડો
અન્યોની સામે ધૂળ ઉડાડવાથી ખૂદનો ચહેરો ઉજળો થઈ જતો નથી: મહેશગિરી આટલી વાત સમજે તો પણ ઘણું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
ગિરનારના અંબાજી મંદિર અને ભીડ ભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદીનો વિવાદ વકર્યો છે. આ વિવાદ વચ્ચે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ મંદિર પાસે ચાલી રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે કથા વિરામ બાદ ધર્મસભાનું આયોજન કર્યું હતું જેમાં ગિરનારના કોઈ મહાન-મોટા સંત-મહંતની હાજરી જોવા ન મળી હતી છતા આ સભાને સંતો-મહંતોની ધર્મસભાનું નામ આપી મહેશગીરી દ્વારા મોટીમોટી વાતો કરી મીડિયા પર જ સવાલ કરવામા આવ્યા હતા. ભાગવત સપ્તાહની પૂર્ણાહૂતિ બાદ મહેશગીરીએ ધર્મસભાના નામે ધતિંગ કર્યા હોવાનું ચર્ચાવા લાગ્યું છે. કારણ કે, આ કહેવાતી ધર્મસભામાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ પોતાના પર ઉઠેલા સવાલનો જવાબ આપવાને બદલે ખુદ મીડિયા પર જ સવાલ ઉઠાવતા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે. અલબત્ત મહેશગીરીએ પવિત્ર જગ્યા વિધર્મીઓના હાથમાં જવા નહીં દઉં કહીને સમગ્ર વિવાદમાં ધાર્મિક રંગ ઉમેરી શાંતિ ડહોળાય તેવો પ્રયાસ કર્યો છે. હાલ ચાલી રહેલો વિવાદ આંતરિક છે અને તેમાં પણ મહેશગીરીએ ગિરનારને સાધુ-સંતોના અખાડાની જગ્યાએ રાજકરણનો અખાડો બનાવી મૂક્યો છે. મીડિયામાં મહેશગીરી પર સવાલો થઈ રહ્યા છે આખરે ક્યાં કારણોસર તેઓને શ્રી શ્રી રવિશંકરથી લઈ ભાજપ અને આપ દ્વારા તગેડી મૂકવામાં આવ્યા? ભગવા પહેરનારા મહેશગીરીએ રાજકરણમાં ઘૂસવા કેમ દાવપેચ રમવા પડ્યા? ક્યાં કારણોસર તેઓએ અમિત શાહ અને અન્ય લોકો પર કરોડો-લાખો રૂપિયા આપ્યાનો આક્ષેપ કર્યો? આ સવાલના જવાબ આપવાની જગ્યાએ મહેશગીરી ખુદ મીડિયાની વિશ્ર્વસનિયતા પર સવાલ ઉઠાવવા લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મહેશગીરીએ કહ્યું હતું કે,હરીગીરીએ ભાજપને 5 કરોડ રૂપિયા, કલેકટર આલોકકુમાર પાંડેને 50 લાખ રૂપિયા, કલેકટર રાહુલ ગુપ્તાને 50 લાખ, મહામંડલેશ્ર્વર વિશ્ર્વંભર ભારતીને 50 લાખ, રિધેશ્ર્વર ગીરીને 25 લાખ, મહાદેવગીરીને 25 લાખ, શિવ ધૂણાવાળા મહંતને 15 લાખ, સેવાદેવી પુનિતાચાર્યને 15 લાખ અને જયશ્રીગીરીને 25 લાખ રૂપિયા આપ્યા હોવાનું લખ્યું છે. હરીગીરી બાપુએ ભાજપને 5 કરોડ અને 2 કલેક્ટરને 50-50 લાખ આપેલા. તેમણે એક લેટરમાં હરીગીરીએ ભવનાથ મંદિરના કાયમી મહંત બની રહેવા માટે જે લોકોને લાંચ આપી હતી તે અંગેની વાત જણાવી હતી પણ આ અંગે બીજો કોઈ ફોડ પાડી પુરાવા રજૂ કર્યા નથી. આ સિવાય પણ તેમની અનેક વાતો વાસ્તવિકતાથી જોજનો દૂર જણાઈ રહી છે. મહેશગીરી માત્ર આક્ષેપો કરવામા અને વિવાદ ઉભા કરવામાં જાણીતા બની ગયા છે. સંન્યાસીમાંથી રાજકારણી અને રાજકારણીમાંથી ફરી સંન્યાસી બનેલા મહેશગીરી હજુ પણ રાજકારણ છોડવા ઈચ્છતા નથી અને તેમનામાં સત્તાનો મોહ તો હજુ પણ જોવા મળી રહ્યો છે એવું ઘણાને લાગી રહ્યું છે. શ્રી શ્રી રવિશંકરથી લઈ મોદી અને સંજય દત્ત સુધીઓનું નામ લઈ તેઓ ક્યારે કોઈ પણ વાત કરી દેતા હોય છે પરંતુ પછી તેમની વાતમાં વાસ્તવિકતા ન જણાતા વિવાદ થતા રહે છે ત્યારે હવે મહેશગીરીએ તમામ આક્ષેપ-પ્રત્યાક્ષેપ મામલે પુરાવાસહ વાત કરી મીડિયાને સવાલ કરવાના બદલે તેમની પર ઉઠી રહેલા સવાલના જવાબ આપવા જોઈએ.
આમ આદમી પાર્ટીમાં સત્તા ન મળી અને સમીકરણો બદલાયા એટલે ભાજપમાં ઘૂસ્યા
જો થોડા સમય પહેલાની વાત કરવામાં આવે તો એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં મહેશગીરી જણાવે છે કે, હું આર્ટ ઓફ લિવિંગમાં હતો ત્યારે શ્રી શ્રી રવિશંકરજીએ કહ્યું હતું દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા કંઈક કરવા માગે છે. તમે ઘણા સ્ટ્રેટેજિસ્ટ અને ઇનોવેટિવ છો તો મારી એવી ઈચ્છા છે કે તમે કંઈક કરો. એમ કહીને મને દિલ્હી મોકલ્યો. અરવિંદ કેજરીવાલ મને મળવા આવ્યા. પછી મેં ‘ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’નું આખું કેમ્પેઈન ડિઝાઇન કર્યું. ‘જનલોકપાલ’ નામ મારું આપેલું છે. તેના ડ્રાફ્ટમાં પણ લખ્યું છે કે આ નામ મહેશગીરીએ આપ્યું છે. મહેશગીરીની આ વાત કદાચ સાચી હશે પણ પછી અચાનક શું થયું કે સત્તાના સમીકરણો બદલાતા તેઓ અચાનક આપમાંથી કૂદકોમાંથી ભાજપમાં આવી ગયા. તે કહાનીમાં પણ તેમણે શ્રી શ્રી રવિશંકરનું નામ આપી રહ્યા છે.
- Advertisement -
સાંસદ ટર્મ પૂરી થયા બાદ ફરી ખુરશી ન મળતા ગિરનારની ગાદીએ આવીને બેસી ગયા
એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં મહેશગીરી કહે છે કે, આર્ટ ઓફ લિવિંગમાં દિલ્હી હતો ત્યારે મેં ’મેરી દિલ્હી મેરી યમુના’ નામનો પ્રોજેક્ટ લોન્ચ કરીને યમુના સફાઈનું બીડું ઝડપ્યું હતું. જેમાં મારી સાથે 6-7 લાખ લોકો અને 22 હજાર સેવકો જોડાયા હતા. મારું આ કાર્ય જોઈને મને ભાજપમાંથી આમંત્રણ મળ્યું. પછી શ્રી શ્રી રવિશંકરજીની આજ્ઞાથી હું ભાજપમાં જોડાયો અને સાંસદ બન્યો. પછી અમિત શાહની ટીમમાં ભાજપાનો રાષ્ટ્રીય સચિવ બન્યો. દરમિયાન ગિરનારની જગ્યા જે શિષ્યને સોંપીને ગયો હતો તેનું અવસાન થયું. એટલે સાંસદની ટર્મ પણ પૂરી થઈ ગઈ હતી પછી હું ગિરનાર આવી ગયો. જોકે મહેશગીરીની આ વાત પણ સંપૂર્ણ સત્ય જણાતી નથી. હકીકતમાં તો મહેશગીરીને સાંસદ ટર્મ પૂરી થયા બાદ ફરી ખુરશી ન મળી એટલે ગિરનારની ગાદીએ આવીને બેસી ગયા હતા.
હવે તો શ્રી શ્રી રવિશંકરે જ જણાવવું જોઈએ કે મહેશગિરીની વાતોમાં તથ્ય-સત્ય કેટલું છે
એક ઈન્ટરવ્યૂમાં મહેશગીરી કહે છે કે, જૂનાગઢમાં આર્ટ ઓફ લિવિંગની શિબિર ચાલતી હતી. એમાં જે થતું એ અમારા નાગાસાધુની પરંપરામાં મેં ક્યારેય જોયું નહોતું. જેમ કે, સુદર્શન ક્રિયા કરવી. આ બધું જોઈને મને થયું કે આ શું છે? એમના શિક્ષકોને આની પૂછપરછ કરી પછી ઋષિકેશના સાધુ સ્વતંત્રતા નંદજીને મળવાનું થયું. તેમની વાતો, તેમના જ્ઞાન પ્રત્યે આકર્ષણ થયું. પછી અહીંની જગ્યા મારા શિષ્યને સોંપીને હું સ્વતંત્રતાનંદજી સાથે જોડાઈને યોગ-ધ્યાન અને આર્ટ ઓફ લિવિંગની સેવા કરતો રહ્યો. જેમાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર બનીને મેં દેશ-વિદેશમાં ધર્મનો પ્રચાર કર્યો હતો. ત્યારબાદ શ્રી શ્રી રવિશંકરના કહેવાથી મહેશગીરી રાજકરણમાં પ્રવેશ્ર્યા એવું કહેવાય છે અને ઘણા લોકો કહે છે કે, તેઓ જે કરે-બોલે છે તે પાછળ શ્રી શ્રી રવિશંકરનું માર્ગદર્શન રહેલું છે. શ્રી શ્રી રવિશંકર સાથે અંગત સંબંધો ધરાવતા હોવાની વાત કરતા રહેતા મહેશગીરીની વાતોમાં કેટલી સચ્ચાઈ છે તે હવે શ્રી શ્રી રવિશંકરે જ મીડિયામાં આવીને કહેવી જોઈએ એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય.