રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાને અનુલક્ષીને આયોજન કરાયું હતું: તમામ બાળકોને પ્રમાણપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર દેશે 500 વર્ષથી વધુ સમયથી કરેલા સંઘર્ષની ફલશ્રુતિરૂપે અયોધ્યામાં પ્રભુ શ્રીરામની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાની તવારીખ સાંસ્કૃતિક અવસરને અનુલક્ષી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ (ઉમિયાધામ) દ્વારા યોજાયેલી ઓપન રામાયણમ ક્વીઝ સ્પર્ધામાં રાજકોટની યુતિકા વિજયભાઈ ગોધાણીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.
સ્પર્ધાના માધ્યમથી દેશના ભાવિ નાગરિકો હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથો માટે અનુરાગ કેળવે તેવા કેન્દ્રવર્તી વિચાર સાથે સંસ્થાની યુવા સંગઠન ટીમે યોજેલી સ્પર્ધામાં અનુષ્ઠા ભાયાણીએ દ્વિતિય તથા આયુષી બોડાએ તૃતિય સ્થાન હાંસલ કર્યું હતું. સ્પર્ધામાં ત્રણ રનર્સ અપને પણ પુરસ્કૃત કરાયા હતા જેમાં વિશેષ પુરોહિત, રુદ્ર તિવારી અને કકશા કાથરોટિયાનો સમાવેશ થાય છે.
સ્પર્ધામાં રાજકોટના કુલ 157 સ્પર્ધકો સામેલ થયા હતા. સ્પર્ધામાં વિજેતા ક્રમાંક મેળવનારાઓને તો ઈનામો અપાયા હતા, પરંતુ વધુ અનુકરણીય વાત એ હતી કે તમામ સ્પર્ધકને પણ પ્રમાણપત્ર અને શાળા ઉપયોગી ચીજવસ્તુની ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ કણસાગરા (ફિલ્ડમાર્શલ)એ મા ઉમિયાનો ખેસ પહેરાવી વલ્લભભાઈનું સન્માન કર્યું હતું.
તેમના ધર્મપત્ની મંજુલાબેન કટારીયાનું સન્માન મહિલા સંગઠન સમિતિના પ્રમુખ હેતલબેન કાલરીયાએ તથા કટારીયા પરિવારના સુપુત્ર રિમલભાઈ કટારીયાનું વિશેષ સન્માન યુવા સંગઠનના મંત્રી વિજયભાઈ ગોધાણીએ કર્યું હતું. તમામ સ્પર્ધકોને પોકેટ રામાયણ આપનારા અલ્પાબેન ભાલોડીયાને પણ સન્માનિત કરાયા હતા તે જ રીતે સ્પર્ધા આયોજનમાં સહયોગી આશિષભાઈ કોઠડીયાને પણ સન્માનિત કરાયા હતા.
સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ કણસાગરા, વલ્લભભાઈ કટારિયા, ટ્રસ્ટી નંદલાલભાઈ માંડવીયા, કાંતિભાઈ મકાતી, કિશોરભાઈ ઘોડાસરા તથા રમેશભાઈ ઘોડાસરાના વરદહસ્તે સ્પર્ધકોને ઈનામો અપાયા હતા.